પુણેની બાજુમાં આવેલા પિંપરી ચિંચવાડના ચાકણમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અહીં ઘરની બહાર કારમાં બેઠેલા એક વ્યક્તિ પર ત્રણ અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કરીને ધડાધડ ગોળીઓ મારી હતી. ત્યાં સુધી તેના પર ફાયરિંગ કરતા રહ્યા, જ્યાં સુધી તેનું મૃત્યુ ન થયું.પોલીસના જણાવ્યા અનુસાર હત્યારાઓએ નાગેશ પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમાંથી બે ગોળી તેના માથામાં પણ વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો ત્યારે નાગેશ તેની કારમાં બેઠો હતો.મૃતકની ઓળખ નાગેશ કરાલે તરીકે થઈ છે. નાગેશ એક અખાડો ચલાવે છે. આ ઘટના ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ શેલપિમ્પલ ગામમાં બની હતી. હત્યા પાછળ જૂની અદાવત હોવાનું કહેવાય છે. પોલીસે હત્યાના સીસીટીવી ફૂટેજના આધારે મામલાની તપાસ હાથ ધરી છે.છેલ્લાં એક સપ્તાહ દરમિયાન પિંપરી-ચિંચવડમાં હત્યાની આ ત્રીજી ઘટના છે. બુધવારે તલેગાંમ વિસ્તારમાં ૧૭ વર્ષીય અનિલ પરદેશીની માથામાં હથોડી મારીને તેની હત્યા કરવામાં આવી હતી. પહેલાં એવું માનવામાં આવતું હતું કે યુવકને માથામાં ગોળી મારવામાં આવી, પરંતુ બાદમાં તેને હથોડા વડે મારી નાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.