રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પુણેમાં આતંકવાદી જૂથ આઇએસઆઇએસ (ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લેવન્ટ અથવા ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા) મોડ્યુલ સાથે જાડાયેલા બે વોન્ટેડ શંકાસ્પદોની ધરપકડ કરી છે. અબ્દુલ ફૈઝ શેખ (ઉર્ફે “ડાયપરવાલા”) અને તલ્હા લિયાકત ખાન પર ભાડાના ઘરમાં આઇઇડી બનાવવાનો આરોપ છે. અબ્દુલ અને તલ્હા બંને ૨૦૨૩માં પુણેના કોંધવા વિસ્તારમાં આઇઇડી (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) બનાવવા અને તેનું પરીક્ષણ કરવા બદલ સમાચારમાં હતા.
રાષ્ટ્રીય તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ શંકાસ્પદ આરોપીઓએ ભાડાના ઘરમાં વિસ્ફોટકો બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, બંનેએ અહીં બોમ્બ બનાવવાની વર્કશોપનું પણ આયોજન કર્યું. વર્કશોપ દરમિયાન, બંનેએ નિયંત્રિત વિસ્ફોટ કરીને આઇઇડીનું પરીક્ષણ પણ કર્યું હતું, ત્યારબાદ પુણે પોલીસને પણ આ બાબત પર શંકા ગઈ અને ત્યારથી, બંને ફરાર થઈ ગયા.
અગાઉ પણ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ બંને વિશે માહિતી આપનારાઓને ૩ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. હવે આ બંનેની ધરપકડ બાદ, રાષ્ટ્રીય તપાસ એજન્સી તેમની પૂછપરછ કરી રહી છે જેથી તેઓ તેમના અન્ય નેટવર્ક અને સંભવિત આતંકવાદી યોજનાઓ વિશે વધુ માહિતી મેળવી શકે. વોન્ટેડ શંકાસ્પદ ગુનેગારો અબ્દુલ અને તલ્હાની ધરપકડ બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દેશમાં આઇએસઆઇએસ સાથે જાડાયેલા આતંકવાદી મોડ્યુલોને નાબૂદ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે.
જ્યારે અમે અબ્દુલ અને તલ્હાના પરિવારજનોનો તેમની ધરપકડ વિશે વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કર્યો, ત્યારે બંનેના પરિવારોએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો. અબ્દુલ અને તલ્હા સાથે સંકળાયેલા પુણેના અન્ય યુવાનો પણ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સીના રડાર પર છે.