રાજુલાની કોર્ટે પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરવા બદલ એક ઇસમને બે વર્ષની જેલની સજા અને દંડ ફટકાર્યો છે. ત્રણેક વર્ષે અગાઉ પી.જી.વી.સી.એલ. ના અધિકારી નિકુંજભાઈ ભીખાભાઈ ચાવડા પોતાની ટીમ સાથે વીજ કનેકશન ચેકીંગ અને ડીસ્કનેકશનની કામગીરી માટે ગયા હતા. આ દરમ્યાન મોટી ખેરાળીથી બર્બટાણા જવાના રોડ ઉપર બાલુભાઈ જાજડાની વાડીમાં વીજ ચેકીંગની કામગીરી કરતા હતા ત્યારે આરોપી ભગુભાઈ ભુપતભાઈ જાજડા (રહે. મોટી ખેરાળી) પોતાનું મોટરસાઈકલ લઈને આવેલ અને ફરિયાદી તેમજ સાહેદો સાથે ગેરવર્તન કર્યું હતું. આ ઉપરાંત કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને વાંસની લાકડી લઈને મારવા દોડેલા. પી.જી.વી.સી.એલ. ના કોઈપણ માણસો અહીં આવશે તો ટાંટીયા ભાંગી જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. જે અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બાદમાં તપાસ કરનાર અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને કેસ ચાલુ થતા ફરિયાદી તેમજ નજરે જોનાર સાહેદો તથા પંચો અને તપાસ કરનાર અધિકારીની જુબાની તથા વિવિધ દસ્તાવેજી પુરાવાઓનું મુલ્યાંકન કરીને આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં રાજુલાના ચીફ મેજિસ્ટ્રેટે સરકારી વકીલ દિવ્યેશ બી. ગાંધીની દલીલો અને પુરાવાઓનું મુલ્યાંકન કરીને ચુકાદો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓ પોતાની કામગીરી કરતા હોય અને તે બાબતે જો તેમની કામગીરીમાં વિક્ષેપ કરવામાં આવે તો લોકોના કામો અટકી જાય અને સમાજ વ્યવસ્થા પડી ભાંગે અને તે બાબતે સમાજ પર દાખલો બેસાડવો જરૂરી હોવાથી આરોપી ભગુભાઈ ભુપતભાઈ જાજડાને આઈ.પી.સી. કલમ ૧૮૯ અન્વયે કુલ મળીને ૨ વર્ષની સજા અને રૂ. ૫૦૦૦/- નો દંડનો હુકમ કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.