પ્રશાંત કિશોર કોંગ્રેસને ફરી બેઠી કરી શકે ?
રાજકીય વર્તુળોમાં આ મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે કેમ કે લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની ચૂંટણી વ્યૂહરચના ઘડનારા પ્રશાંત કિશોર ઉર્ફે પી.કે. કોંગ્રેસમાં જોડાશે એ લગભગ પાકું મનાય છે.
કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ ગયા શનિવારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ઈમર્જન્સી બેઠક બોલાવી તેમાં પી.કે. પણ હાજર રહ્યા ને કોંગ્રેસને ફરી બેઠી કરવાનું પ્રેઝન્ટેશન આપ્યું તેના પગલે પી.કે.ની કોંગ્રેસમાં એન્ટ્રી પાકી મનાય છે.
પી.કે. કોંગ્રેસમાં જોડાશે એવી વાતો પહેલાં પણ ચાલેલી પણ કોંગ્રેસના જૂના નેતાઓ આડા ફાટતાં વાત અટકી ગયેલી. ગુજરાતમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. કોંગ્રેસ માટે પણ આ વાત સાચી સાબિત થઈ.
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં કારમી હારના પગલે કોંગ્રેસના નેતાઓની અક્કલ ઠેકાણે આવી ગઈ. જે નેતા વારવા છતાં પી.કે. સામે બોલવામાંથી પાછા નહોતા વળતા એ નેતા હાર પછી ચૂપ થઈને બેસી ગયા છે.
હવે પી.કે. સામે કોંગ્રેસમાં કોઈ વિરોધ નથી.
પી.કે.એ પણ કોંગ્રેસમાં જોડાવાનો સંકેત આપી દીધો છે. પી.કે.એ ૨ મે સુધીમાં પોતાનો નિર્ણય જાહેર કરવાનું એલાન કર્યું છે પણ અત્યારે એવી વાત છે કે, પી.કે. કોંગ્રેસમાં ૨૯ એપ્રિલે જ જોડાઈ જશે.
પી.કે. ખરેખર જોડાશે કે નહીં તેની ખબર બે દિવસમાં પડી જશે તેથી તેની વાત નથી કરતા પણ પી.કે.એ જે ફોર્મ્યુલા કોંગ્રેસને આપી હોવાનું કહેવાય છે તેની વાત કરવી છે.
મુખ્ય સવાલ એ જ છે કે, આ ફોર્મ્યુલા ફરી કોંગ્રેસને બેઠી કરી શકે ?
આ સવાલનો જવાબ મેળવતાં પહેલાં પી.કે.ની ફોર્મ્યુલા શું છે તે સમજી લઈએ.
પી.કે.ની ફોર્મ્યુલા યુપીએના નવસર્જનની છે.
પી.કે.એ કોંગ્રેસને સલાહ આપી છે કે, કોંગ્રેસ લોકસભાની તમામ ૫૪૩ બેઠકો પર લડવાનો મોહ છોડી દે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ બધી બેઠકો પર નથી લડી પણ કેટલાક પક્ષો સાથે જોડાણ કરીને લડી છે છતાં પાંચસો કરતાં વધારે બેઠકો પર તો લડી જ છે.
પી.કે.ની સલાહ છે કે, કોંગ્રેસ માત્ર ૩૭૦ બેઠક પર ધ્યાન કેન્દ્રીત કરીને લડે. સાથે સાથે યુપીએનું નવસર્જન કરીને નવા સાથી શોધે, મહારાષ્ટ્ર, બંગાળ અને તમિલનાડુ એ દેશનાં ત્રણ મોટાં રાજ્યોમાં સાથી પક્ષો સાથે જોડાણ કરે જ્યારે ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશ એ ત્રણ રાજ્યોમાં કોઈ પણ પક્ષનો સાથ લીધા વિના એકલ હાથે લડે.
પી.કે.ની આ ફોર્મ્યુલાથી ઘણા કોંગ્રેસી આઘાત પામી ગયા છે કેમ કે લોકસભાની ૩૭૦ બેઠકો પર લડવાનો અર્થ એ થાય કે, કોંગ્રેસે પોતાની પાંખો સંકોરી લેવી પડે. કોંગ્રેસે રાષ્ટ્રીય પક્ષ હોવાના અભિમાનમાંથી બહાર આવીને લોકસભાની કુલ બેઠકોમાંથી એક તૃતિયાંશ બેઠકો પર લડવાનું માંડી જ વાળવું પડે.
કોંગ્રેસની ભવ્યતાના દિવસોમાં જીવતા કોંગ્રેસીઓ માટે આ વાત આંચકાજનક છે. કોંગ્રેસના ભવ્ય દિવસો ક્યારનાય જતા રહ્યા છે પણ એક સમયે કોંગ્રેસ સાચા અર્થમાં રાષ્ટ્રીય પક્ષ હતો. દેશના ખૂણેખૂણા સુધી ફેલાયેલો બીજો કોઈ પક્ષ આવ્યો નથી. કોંગ્રેસે દેશની આઝાદીની લડતમાં ભાગ લીધો હતો તેના કારણે સામાન્ય લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા હતા તથી કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ બની શક્યો.
અત્યારે ભાજપ કેન્દ્રમાં સત્તા પર છે પણ ભાજપ રાષ્ટ્રીય પક્ષ નથી બની શક્યો. દેશનાં ઘણાં મોટાં રાજ્યોમાં ભાજપનું અસ્તિત્વ નથી. કોંગ્રેસ જેવો પ્રભાવ ભાજપે ઉભો કર્યો નથી તેથી દેશના ઈતિહાસમાં પેદા થયેલો એક માત્ર રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ જ છે. કોંગ્રેસના ઘણા નેતા હજુ એ જ દિવસોમાં જીવે છે તેથી તેમના માટે આ ફોર્મ્યુલા આઘાતજનક છે.
જો કે કોંગ્રેસ પાસે બીજો વિકલ્પ નથી.
કોંગ્રેસે કઈ ૩૭૦ બેઠકો પર લડવું જોઈએ ?
પી.કે.ની ફોર્મ્યુલા પ્રમાણે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે એવાં ૧૧ રાજ્યોમાં કોંગ્રેસે તમામ બેઠકો પર લડવું જોઈએ. આ રાજ્યોમાં ગુજરાત (૨૫), મધ્ય પ્રદેશ (૨૯), રાજસ્થાન (૨૬), છત્તીસગઢ (૧૧), કર્ણાટક (૨૮), હિમાચલ પ્રદેશ (૪), હરિયાણા (૧૦), ઉત્તરાખંડ (૫), આસામ (૧૪), દિલ્હી (૭), ગોવા (૨)નો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં લોકસભાની ૧૬૧ બેઠકો છે.
આ સિવાય કોંગ્રેસ પાસે અત્યારે પણ કેરળ (૨૦) અને પંજાબ (૧૩) એ બે રાજ્યો એવાં છે જ કે જ્યાં તે પોતાના જોર પર સારો દેખાવ કરી શકે છે. આ બંને રાજ્યોમાં કોંગ્રેસની ટક્કર ભાજપ સાથે નથી પણ કોંગ્રેસ મજબૂત છે. આ બંને રાજ્યોની ૩૩ બેઠકો ઉમેરો તો કુલ ૧૯૪ બેઠકો થાય.
કોંગ્રેસ મહારાષ્ટ્રમાં પણ મજબૂત છે પણ મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી સાથે તેનું જોડાણ છે. મહારાષ્ટ્રમાં કુલ ૪૮ બેઠકો છે તેથી કોંગ્રેસના ભાગે ૧૬ બેઠકો આવે એવું માનીએ તો કુલ ૨૧૦ બેઠકો થાય.
પી.કે.એ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં કોંગ્રેસને
આભાર – નિહારીકા રવિયા એકલા હાથે લડવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. યુપીમાં ૮૦, બિહારમાં ૪૦ અને ઓડિશામાં ૨૧ મળીને આ ત્રણ રાજ્યોમાં થઈને લોકસભાની કુલ ૧૪૧ બેઠક છે.
પી.કે.નું માનવું છે કે, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં કોંગ્રેસ પાસે કોઈ લાંબા સમય સુધી ભરોસો કરી શકાય એવો મજબૂત સાથી નથી તેથી કોંગ્રેસે એકલા લડવું જોઈએ. આ ૧૪૧ બેઠકો ઉમેરો તો કોંગ્રેસ કુલ ૩૫૧ બેઠકો પર લડી શકે.
પી.કે.એ કોંગ્રેસને ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં જોડાણની સલાહ આપી હોવાનું કહેવાય છે. આ ત્રણ રાજ્યોમાં થઈને લોકસભાની ૯૫ બેઠક છે. તમિલનાડુ અને ઝારખંડમાં કોંગ્રેસ અત્યારે શાસક પક્ષો સાથે જોડાણ ધરાવે જ છે તેથી કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં જ મમતા બેનરજી સાથે જોડાણ કરવાનું છે. આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને સાથી પક્ષો ૯ બેઠકો આપે તો કોંગ્રેસે લડવાની બેઠકોનો આંકડો ૩૬૦ પર પહોંચે.
કોંગ્રેસ આ સિવાય ચંદીગઢ, આંદામાન અને નિકોબાર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લડાખ, લક્ષદ્વીપ, પુડ્ડુચેરી એ સાત નાના પ્રદેશોની સાત બેઠકો પર લડીને પોતાનો આંકડો ૩૬૭ પર પહોંચાડી શકે.
આ સિવાય અરૂણાચલ પ્રદેશ (૨), મણિપુર (૨), મેઘાલય (૨), મિઝોરમ (૧), નાગાલેન્ડ (૧), સિક્કિમ (૧), ત્રિપુરા (૨) એ આસામનાં સેવન સિસ્ટર્સ સ્ટેટ્‌સની ૧૧ બેઠકો પર પણ કોંગ્રેસ લડી શકે. આમ, કુલ આંકડો ૩૭૮ પર પહોંચે.
કોંગ્રેસ પાસે તેલંગાણા અને આંધ્ર પ્રદેશ બાકી છે કે જ્યાં કુલ ૪૨ બેઠકો છે. જમ્મુ અને કાશ્મીરની ૫ બેઠકો પણ છે. આ રાજ્યોમાં કોંગ્રેસ અત્યારે જોડાણ નથી કરતી પણ બદલાયેલા સંજોગોમાં જોડાણ કરી શકે. આ ત્રણ રાજ્યોની ૪૭ બેઠકોમાંથી કોંગ્રેસને ૧૨ બેઠકો મળે તો કોંગ્રેસની બેઠકોનો આંક ૩૯૦ પર પહોંચે.
આ આંક પી.કે.ની ફોર્મ્યુલા કરતાં ૨૦ બેઠકો વધારે છે.
પી.કે.એ કોંગ્રેસને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં એકલા હાથે લડવાની સલાહ આપી છે પણ યુપી-બિહારમાં કોંગ્રેસે જોડાણ કરવું જરૂરી છે. તેનું કારણ એ કે, ભાજપને હરાવવો હોય તો યુપી-બિહારમાં હરાવવો જ પડે.
ઉત્તર પ્રદેશમાં ૮૦ અને બિહારમાં ૪૦ મળીને બે રાજ્યોમાં લોકસભાની ૧૨૦ બેઠકો છે. ભાજપ પોતાના સાથી પક્ષો સાથે ૧૦૪ બેઠકો જીતેલો છે. કોંગ્રેસ બિહારમાં પોતે લડવાના બદલે આરજેડીને મદદ કરે ને યુપીમાં અખિલેશને મદદ કરીને ચાલીસેક બેઠકો પણ આંચકી લે તો ભાજપને મોટો ફટકો પડી જાય.
કોંગ્રેસ એકલી લડે તો યુપી અને બિહાર બંને રાજ્યોમાં ભાજપ વિરોધી મતો વહેંચાઈ જાય તેથી ભાજપને ફાયદો થાય. ભાજપને ફાયદો રોકવા માટે યુપી-બિહારમાં કોંગ્રેસે મજબૂત પ્રાદેશિક પક્ષો સાથે જોડાણ કરવું જરૂરી છે.
યુપીમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સપા-બસપા સાથે મળીને લડ્‌યાં તો બંનેને મળીને ૧૬ બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસે રાયબરેલીની બેઠક જીતી હતી. આમ વિપક્ષોએ ૧૭ બેઠકો જીતીને ભાજપ પાસેથી ૧૦ બેઠકો આંચકી લીધી હતી.
સવાલ એ છે કે આ ફોર્મ્યુલા કોંગ્રેસને જીતાડી શકે ખરી ?
આ સવાલનો જવાબ સ્પષ્ટ ના છે.
તેનું કારણ એ કે, માત્ર ઓછી બેઠકો પર લડવાથી જીતની ગેરંટી ના મળે, જીતવા માટે મહેનત કરવી પડે.
પી.કે.એ કોંગ્રેસને ઓછી બેઠકો પર લડવાની સલાહ એટલા માટે આપી છે કે જેથી કોંગ્રેસ જીતવાની કોઈ આશા જ નથી એવી બેઠકો પર ફોગટની મહેનત કરવાનું છોડે પણ તેનો અર્થ એ નથી કે, ઓછી બેઠકો પર લડવાથી કોંગ્રેસ જીતી જશે. માત્ર કાગળ પર ફોર્મ્યુલા આપી દેવાથી જીતી જવાતું હોય તો કશું કરવાની જરૂર જ ના રહે.
કોંગ્રેસે જીતવા માટે બે કામ કરવાં જ પડે.
પહેલું કામ ભાજપને હરાવવો પડે.
પી.કે.ની ફોર્મ્યુલામાં ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર છે એવાં રાજ્યો પર ભાર મૂકાયો છે કેમ કે ભાજપ આ રાજ્યોમાં કોંગ્રેસને પછાડીને જ તાકાતવર બન્યો છે. બીજાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો ભાજપને હંફાવે છે પણ આ રાજ્યોમાં કોંગ્રેસ સાવ પાંગળી સાબિત થાય છે.
ગુજરાત, રાજસ્થાન, દિલ્હી વગેરે રાજ્યોમાં કોંગ્રેસ એક પણ બેઠક છેલ્લી બે ચૂંટણીમાં જીતી શકી નથી. ભાજપ લોકસભાની ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપ ક્લીન સ્વીપ કરીને ૯૦ ટકા બેઠકો જીતે છે.
કોંગ્રેસે ભાજપને રોકવો હોય આ રાજ્યોમાં ફટકો મારીને ઓછામાં ઓછી ચાલીસ ટકા બેઠકો જીતવી પડે. કોંગ્રેસ ચાલીસ ટકા બેઠકો જીતે તો ભાજપને ૬૫ બેઠકોની આસપાસ ફટકો પડે ને તેના કારણે મોટો ફરક પડી જાય.
નરેન્દ્ર મોદી, મમતા બેનરજી, જગન મોહન રેડ્ડી, કે.સી. ચંદ્રશેખર રાવ, કેપ્ટન અમરિન્દરસિંહ વગેરે ઘણાંને જીતાડી ચૂકેલા પી.કે. પાસે ફોર્મ્યુલા છે પણ તેના માટે મહેનત તો કોંગ્રેસે જ કરવી પડે.
કોંગ્રેસે પોતાની ઈમેજ પણ બદલવી પડે.
ભાજપે સતત પ્રચાર કરી કરીને કોંગ્રેસની મુસ્લિમ પાર્ટીની ઈમેજ બનાવી દીધી છે. તેના કારણે બહુમતી હિંદુ મતદારો કોંગ્રેસથી દૂર  ભાગે છે. આ ઈમેજ કઈ રીતે બદલવી એ કોંગ્રેસે જોવાનું છે કેમ કે તેના વિના ભાજપને પછાડવો શક્ય નથી.