પાકિસ્તાન ક્રિકેટ ટીમને બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. પાકિસ્તાનના પ્રદર્શનની ચાહકો તેમજ ભૂતપૂર્વ ક્રિકેટરો દ્વારા ઘણી ટીકા કરવામાં આવી છે. પાકિસ્તાની બોલરોને તેમના પ્રદર્શન માટે સૌથી વધુ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપ ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર યાસિર અરાફાતે પાકિસ્તાનના ટેસ્ટ પ્રદર્શનની ભારે ટીકા કરી છે. તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને તેના અધિકારીઓ વિરુદ્ધ પણ તીક્ષ્ણ નિવેદન આપ્યું છે. અરાફાતે કહ્યું કે પાકિસ્તાને રેડ બોલ ક્રિકેટ માટે તૈયારી કરવાની જરૂર છે, પરંતુ પીસીબીએ ચેમ્પીયન્સ કપ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે જેમાં વનડે મેચો યોજાશે. તેણે કહ્યું કે ઈંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણી પહેલા તૈયારી મહત્વપૂર્ણ છે.
અરાફાતે યુટ્યુબ પર કહ્યું, ‘દેશમાં સારા ક્રિકેટનો ટ્રેન્ડ ખતમ થઈ રહ્યો છે. ફિટનેસ સમસ્યાઓ, ટેકનિક સમસ્યાઓ અને પિચો જેવી કેટલીક બાબતોને હાઇલાઇટ કરવામાં આવી છે. આજે મેં સાંભળ્યું કે જેસન ગિલેસ્પી અને હાઈ પરફોર્મન્સ કોચ ઓસ્ટ્રેલિયા પાછા જઈ રહ્યા છે. તમે વનડે ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છો. હું આ નિર્ણયોને સમજી શકતો નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક સર્કસ છે. તે જાકરોથી ભરેલો છે અને તે મજાક બની ગયો છે. તમારે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે અને તમે વનડે માટે ખેલાડીઓને લાવી રહ્યા છો. શાન મસૂદ પ્રેસ કોન્ફરન્સમાં કહી રહ્યા છે કે અમારા ખેલાડીઓ દોઢ વર્ષથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા નથી. તમારે ઈંગ્લેન્ડ સામે મોટી શ્રેણી રમવાની છે અને તેણે વનડે રમવી છે. તે મને સર્કસ જેવું લાગે છે. જે લોકો કામ કરી રહ્યા છે તેઓ જાકરો છે અને તેમના નિર્ણયો મજાક સમાન છે.
જિયો ન્યૂઝ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની ટેસ્ટ શ્રેણીની યજમાની કરવા માટે શ્રીલંકા અથવા સંયુક્ત આરબ અમીરાત જેવા વિકલ્પો પર વિચાર કરવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાનના મુખ્ય ટેસ્ટ કોચ તરીકે જેસન ગિલેસ્પીના કાર્યકાળની શરૂઆત સારી રહી ન હતી. ગિલેસ્પી હેઠળ, શાન મસૂદની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમને પ્રથમ અસાઇનમેન્ટમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટ ૧૦ વિકેટે અને બીજી ટેસ્ટ છ વિકેટથી જીતી હતી. આગામી વર્ષની ચેમ્પીયન્સ ટ્રોફી માટે કરાચી નેશનલ સ્ટેડિયમમાં ચાલી રહેલા બાંધકામના કામને કારણે બીજી ટેસ્ટ કરાચીથી રાવલપિંડી ખાતે ખસેડવામાં આવી હતી. બંને મેચ રાવલપિંડીમાં જ રમાઈ હતી. હાલમાં ચેમ્પીયન્સ ટ્રોફી માટે કરાચી નેશનલ સ્ટેડિયમ, લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ અને રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. શક્ય છે કે મસૂદ અને તેની ટીમને શ્રીલંકા અથવા યુએઈમાં ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમવી પડે.