ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં બે પુરુષો દ્વારા કથિત રીતે સામૂહિક દુષ્કર્મ બાદ સળગાવી દેવામાં આવી હતી તે એક યુવતીનું મંગળવારે મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના ૭ સપ્ટેમ્બરે બની હતી. આ મામલામાં એફઆઈઆર ૧૦ સપ્ટેમ્બરે નોંધવામાં આવી હતી. ૧૨ દિવસ સુધી જીવન સંઘર્ષ કર્યા બાદ આખરે પીડિતાનું મોત થયું હતું.
આ કેસમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પીલીભીત પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીનું મંગળવારે લખનૌની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પીલીભીત લઈ જવામાં આવ્યો છે.
જણાવાઈ રહ્યુ્ં છે કે છોકરી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપીએ તેની પર ડીઝલ નાખીને સળગાવી દીધી હતી. પીડિત યુવતીને લખનૌની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ છોકરીનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.