સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામે રહેતી એક યુવતીના લગ્ન લીલીયા તાલુકાના સાંજણટીંબા ગામે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ સુધી બધું બરાબર ચાલ્યું હતું અને બાદમાં તેના પર સિતમ ગુજારવાનું શરૂ થયું હતું. થોડા દિવસ પહેલા પરિણીતાને પતિ પિયર મુકી ગયો હતો. જેને લઈ પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું, બનાવ અંગે માધાભાઈ ડાયાભાઈ દેંગડા (ઉ.વ.૪૮)એ જમાઈ આકાશભાઈ ખીમજીભાઈ ચૌહાણ, પ્રફુલ્લા ખીમજીભાઈ ચૌહાણ તથા વીમળાબેન ખીમજીભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની દીકરીના લગ્ન પોણા ચાર મહિના પહેલા લીલીયા તાલુકાના સાજણટીંબા ગામના આકાશભાઇ ખીમજીભાઇ ચૌહાણ સાથે થયા હતા. લગ્ન બાદ જમાઇ આકાશ તથા તેની માતા વીમળાબેન તથા નણંદ તેમની દીકરીને દુઃખત્રાસ આપતા હતા. બારેક દિવસ પહેલા આરોપીઓએ તેમની દીકરીને માર માર્યો હતો અને જમાઇ તેમની દીકરીને પિયર પીયાવા મુકી ગયો હતો. ગઇ કાલે આરોપીના પિતા ખીમજીભાઇએ છુટાછેડા કરવાની વાત કરી હતી. પરંતુ તેમની દીકરીને જમાઈ સાથે જ રહેવું હતું પરંતુ તેઓ રાખવા તૈયાર નહોતા. જેથી તેમની દીકરીએ પોતાની મેળે તેના મકાનના રૂમની લાકડાની આડશ સાથે ઓસાડનો ગળાફાંસો બનાવીને ગળાફાસો ખાઇને જીવન ટુંકાવી દીધું હતું. વંડા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર પી.વી.પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.