રાજુલાના પીપવાવ પોર્ટ પર યુએઇના નામે પાકિસ્તાની ખજૂરના કન્ટેનરો ઘુસાડી ર૦૦ ટકાની સામે માત્ર ૩૦ ટકા જેટલી નજીવી ડ્યુટી ચૂકવી ૧૦૦ કરોડની ડ્યુટી ચોરીનો પર્દાફાશ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે કસ્ટમ્સ વિભાગને ગંધ આવે તે પહેલા જ પ૦૦ કન્ટેનર ક્લિયર કરી દેવાયા હતા. ત્યારે આ કૌભાંડ ખુલ્યા બાદ પ્રથમ પ૦૦ કન્ટેનરની તપાસ કર્યા વિના જ ઓ.સી. આપી દેનારા કસ્ટમ્સના અધિકારીઓ સામે પણ કાર્યવાહી તોળાઇ રહી છે. પીપાવાવ પોર્ટ પર પાકિસ્તાનથી ખજૂરના કન્ટેનરો આવ્યા હતા અને આ કન્ટેનરોને યુએઇના બતાવી ૩૦ ટકા ડયુટી ચુકવવામાં આવી હતી. પાકિસ્તાનથી આયાત બતાવવામાં આવે તો ર૦૦ ટકા ડયુટી લાગે છે, પરંતુ યુએઇ માટે ૩૦ ટકા ડ્યુટી લાગતી હોય, આ રીતે યુએઇના નામે પાકિસ્તાની ખજૂરના કન્ટેનરો ઘુસાડી ૧૭૦ ટકા લેખે ૧૦૦ કરોડની ડ્યુટી ચોરી કરાતી હોવાનું સામે આવતા ૮૦ કન્ટેનર એટલે કે ૧૬૦૦ ટન ખજૂર ડિટેઇન કરાયો છે. ખજૂરના વેપાર થકી પાકિસ્તાનીઓ ટેરર ફંડિંગ કરતા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે.