રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ અમરેલી જિલ્લા કલેક્ટરને પત્ર લખીને પીપાવાવ પોર્ટ દ્વારા શિયાળબેટ પાસે કરવામાં આવી રહેલી ડ્રેજિંગની કામગીરી તાત્કાલિક અસરથી રોકાવવા માંગ કરી છે. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે, જાફરાબાદ તાલુકાના શિયાળબેટ વિસ્તારમાં પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના કારણે માછીમારી કરીને ગુજરાન ચલાવતા અતિ સામાન્ય અને નાના વર્ગના લોકોની રોજીરોટી છીનવાઈ રહી છે. વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે, પોર્ટ પ્રશાસન દ્વારા આ કામગીરી અંગે સ્થાનિક પંચાયત કે આગેવાનોને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી કે માછીમારોની મુશ્કેલી દૂર કરવા કોઈ કાર્યવાહી કરાઈ નથી. આથી, જ્યાં સુધી શિયાળબેટના સ્થાનિક લોકોની યોગ્ય સુનાવણી કરવામાં ન આવે અને તમામ ધોરણસરની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ડ્રેજિંગની કામગીરી પર તાત્કાલિક રોક લગાવવા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું.