રાજુલા પીપાવાવ પોર્ટ દ્વારા રામપરા-ર ગામે ગૌચર જમીન સહિત મોટાભાગના વિસ્તારોમાં કરાયેલા દબાણ દૂર કરવા તથા સીએસઆર ફંડ વાપરવા અંગે જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમે મુખ્યમંત્રી-કલેક્ટરને પત્ર પાઠવી ધારદાર રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું હતું કે, રાજુલા તાલુકાના રામપરા-ર ગામે ગૌચર જમીનમાં પીપાવાવ પોર્ટ દ્વારા મોટાભાગના વિસ્તારોમાં દબાણ કરવામાં આવ્યું છે. જે અંગે રામપરા-ર ગ્રામ પંચાયતના સનાભાઈ વાઘ દ્વારા અગાઉ સરકારમાં દબાણ દૂર કરવા અનેકો વખત રજૂઆત કરાઈ હતી. પરંતુ આંખ આડા કાન કરી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી ન હતી. બીજી તરફ તાલુકાના ઔદ્યોગિક એકમો દ્વારા સ્થાનિક વિસ્તારોના ઉત્થાન માટે નિયત રકમ વાપરવાની થતી હોય છે. પરંતુ એપીએમ ટર્મીનલ પીપાવાવ પોર્ટ દ્વારા લોક ઉપયોગી કાર્યો જેવા કે એમ્બ્યુલન્સ સેવાઓ જેવા પાયાના કાર્યો કરવામાં આવ્યા નથી તથા વિકાસ માટે જે ગામો દત્તક લેવામાં આવ્યા છે તે પૈકીના મોટાભાગના ગામોમાં જરૂરી સંભાળ લેવામાં આવી નથી અને અમૂક જ ગામોમાં પુરતી સહાય કરી સસ્તી પ્રસિધ્ધી મેળવી લેવામાં આવે છે. જે રકમ ફાળવવામાં આવે છે તે જુદા-જુદા કાર્યક્રમોમાં ખર્ચી નાખી ખોટા હિસાબો રજૂ કરવામાં આવી રહ્યા છે. સીએસઆર ફંડના ગોટાળામાં પોર્ટનાં અધિકારીઓ સહિત કુલ ચાર લોકોને સસ્પેન્ડ કરાયા છે. જેની પણ યોગ્ય તપાસ કરવામાં આવે અને આ ગોટાળામાં અન્ય અધિકારીઓ પણ સામેલ હોય તેની સામે કાર્યવાહી કરવા લોક માંગ છે. ઉપરાંત ઈએસઆર સહિત વિવિધ વાપરવાના ફંડોનું વ્યવસ્થિત મોનિટરીંગ થતું નહિં હોવાની લોકોમાં બૂમરાણ છે. ત્યારે સરકારના અધિકારીઓ કેમ આ કંપનીને છાવરી રહ્યા છે તેવા સવાલો
ઉઠવા પામ્યા છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરી ગૌચર સહિત દબાણો દૂર કરવા અને તપાસ સાથે પગલા ભરવા રજૂઆત કરાઈ છે.