રાજુલા કોસ્ટલ વિસ્તારના દરિયા કાંઠે પીપાવાવ પોર્ટ ખાતે સૌથી મોટો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. અગાઉ સ્થાનિક ગ્રામપંચાયત તથા જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઇ નકુમ સહિતના અરજદારોએ ગૌચરણ જમીન ઉપર દબાણ કરાયુ હોવાની રજૂઆતો કરી હતી પરંતુ તેનું કોઇ પરિણામ નહોતું આવ્યું. બાદમાં જિલ્લા સંકલન સમિતિમાં આ પ્રશ્ન મુકવામાં આવતા આ મુદ્દે કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા રાજુલા મામલતદારને સૂચના આપવામાં આવતા રાજુલાના ઇન્ચાર્જ ડે. કલેક્ટર ગોહિલ તથા તેમની ટીમ પીપાવાવ પોર્ટ ખાતે પહોંચી હતી. આ સાથે પીઠાભાઇ નકુમ, અરજણભાઇ વાઘ, સનાભાઇ વાઘ સહિતના આગેવાનો પણ પહોંચ્યા હતા. જ્યાં પંચરોજકામ કરવામાં આવ્યું હતું. ડે. કલેક્ટર દ્વારા સ્થળ વિઝીટ બાદ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને ડીડીઓને સંબોધી ટ્‌વીટ કર્યું હતું કે, એપીએમ પોર્ટ દ્વારા રામપરા-ર ગામની ગૌચર જમીનમાં કરવામાં આવેલ દબાણની રજૂઆત આવતા કલેક્ટરની સૂચના મુજબ ટીમ સાથે વિવિધ સ્થળની મુલાકાત લેવામાં આવી છે.