પીપાવાવ પોર્ટ પર આતંકવાદી હુમલાની મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલમાં ચેતક કમાન્ડો, SOG, QRT, સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની ટીમોએ ભાગ લીધો હતો. આ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને પકડીને બંધકોને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યા હતા.રાજ્યના મહત્વના વાઈટલ ઈન્સ્ટોલેશન પર ભવિષ્યમાં સંભવિત આતંકવાદી હુમલાનો સામનો કરવા અને પ્રથમ પ્રતિભાવ આપનાર ટીમ તરીકે ચેતક કમાન્ડો ફોર્સની તૈયારી સુનિશ્ચિત કરવા આ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. વાર્ષિક એક્શન પ્લાન-૨૦૨૫ના ત્રીજા ક્વાર્ટર અંતર્ગત આ કવાયત હાથ ધરવામાં આવી હતી, જેથી કમાન્ડો વાઈટલ પોઈન્ટ્‌સથી વાકેફ થાય.
મોકડ્રીલ અંતર્ગત બપોરે ત્રણ વાગ્યા બાદ APL ટર્મિનલ, પીપાવાવ પોર્ટ ખાતે ત્રણ આતંકવાદીઓ વિસ્ફોટકો અને AK-૪૭ હથિયારો સાથે ઘૂસ્યા હોવાનો સંદેશ મળ્યો હતો. આતંકવાદી હુમલાની પ્રથમ જાણ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનને થતાં, તેમણે તાત્કાલિક સંલગ્ન એજન્સીઓને જાણ કરી હતી. માહિતી મળતા જ અમરેલી ખાતેથી SOG, QRT, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. અમરેલી જિલ્લા પોલીસ વતી ધારીના ASP જયવીર ગઢવીએ ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે મોરચો સંભાળ્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોએ આતંકવાદીઓએ કબજે કરેલા વિસ્તારને કોર્ડન કરીને પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી હતી. આ
દરમિયાન, આતંકવાદીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા, જેમને આરોગ્ય વિભાગની ટીમે
પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ ગાંધીનગરથી અમદાવાદ થઈને વિમાન માર્ગે દીવ એરપોર્ટ પહોંચેલી ચેતક કમાન્ડોની ટીમ સંઘપ્રદેશ દીવથી મોટરમાર્ગે પીપાવાવ પોર્ટ આવી પહોંચી હતી અને આગળનો મોરચો સંભાળ્યો હતો.
સ્નાઈપર ગન સહિતના સાધનોથી સજ્જ ચેતક કમાન્ડોએ ઇન્સિડન્ટ કમાન્ડરના માર્ગદર્શનમાં મરીન બિલ્ડિંગમાં ઘૂસેલા આતંકવાદીઓને જીવિત અથવા મૃત પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.