અમરેલી જિલ્લામાં સિંહોના વારંવાર વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સતત સિંહોના આંટાફેરાની ઘટનાઓ વધી રહી છે જેના કારણે સતત વીડિયો સોશ્યલ મીડિયામાં સામે આવી રહ્યા છે. મોડી રાતે રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટમાં આવેલ કન્ટેનર ટ્રેલર પાર્કિંગની અંદર ૩ સાવજો ઘૂસી ગયા હતા જેના કારણે ટ્રક ચાલકોમાં દોડધામ મચી હતી. ૩ સાવજો પોર્ટના પાર્કિંગ વિસ્તારમાં ફરતા જોવા મળ્યા હતા જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પીપાવાવ પોર્ટ વિસ્તારમાં ટ્રક સહિત વાહન ધમધમતા હોવાને કારણે ભૂતકાળમાં વાહન અડફેટે સિંહ આવી જતા મોત નિપજ્યું હતું. ત્યારે ફરીવાર અકસ્માતની ઘટના સર્જાઈ શકે છે. આ વિસ્તારમાં વારંવાર સિંહો પોર્ટની અંદર ઘૂસી આંટાફેરા કરતા હોય છે.