વીરપુરમાં પીઠડિયા ટોલ પ્લાઝા પર ટોલ ભરવા માટે વાહનો ઊભાં રહે છે એ દરમિયાન મુસાફરોને પાણી, વેફર્સ વગેરેનું દસથી બાર ફેરિયાઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે, જેમાં પપ્પુભાઈ બારૈયા નામના ફેરિયાને એકાદ મહિના પૂર્વે ગૌરીબેન કોળી નામની મહિલા સાથે પાણીની બોટલ વેચવા બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ બંને આ માથાકૂટને ભૂલી ટોલ પ્લાઝાએ પોતાનો વ્યવસાય કરવા લાગ્યાં હતાં. ગત ૨૮ જૂનના રોજ પપ્પુભાઈ ટોલ પ્લાઝાએ ફેરી કરતા હતા ત્યારે ગૌરીબેનના પુત્ર અર્જુને ત્યાં આવીને પોતાની પાસે રહેલી લોખંડની વજનદાર પ્લેટ માથામાં મારતાં પપ્પુભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને તેઓ જમીન પર ઢળી પડ્‌યા હતા. તેમ છતાં અર્જુને હુમલો ચાલુ જ રાખતાં પપ્પુભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને માથાના ભાગેથી લોહી વહેવા લાગ્યું હતું.