પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે મંગળવારે ‘આતંકવાદી ધમકીઓ’ને ટાંકીને કેટલાક જિલ્લાઓમાં તમામ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો હતો. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને બંધારણીય સુધારા સામે વિરોધ પ્રદર્શનની હાકલ કર્યાના એક દિવસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પીટીઆઈ (પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ) પાર્ટીના સ્થાપક ઈમરાન ખાને સોમવારે ‘ન્યાયતંત્રની સ્વતંત્રતા’ માટે દેશભરમાં વિરોધ આભા પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. પીટીઆઈનો દાવો છે કે સરકાર ન્યાયાધીશોની નિવૃત્તિ વય વધારવા અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસનો કાર્યકાળ નક્કી કરવા માટે સુધારાની યોજના બનાવી રહી છે. પીટીઆઈએ ૨ ઓક્ટોબરે મિયાંવાલી (ઈમરાન ખાનનું વતન), ફૈસલાબાદ, બહાવલપુરમાં અને ૪-૫ ઓક્ટોબરના રોજ ઈસ્લામાબાદ અને લાહોરમાં પ્રદર્શનનું આયોજન કર્યું છે.
મરિયમ નવાઝની આગેવાની હેઠળની પંજાબ સરકારે ફૈસલાબાદ, બહાવલપુર અને મિયાંવાલીમાં તમામ પ્રકારના જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવાના આદેશો જારી કર્યા છે. પંજાબના ગૃહ વિભાગે ઈમરાન ખાનના આહ્વાન પર દેખાવોનો સામનો કરવા માટે આદેશ જારી કર્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ તેમના નાપાક ઈરાદાઓને પાર પાડવા માટે પીટીઆઈના વિરોધનો લાભ લઈ શકે છે. તેથી, ફૈસલાબાદ અને બહાવલપુરમાં બે દિવસ અને મિયાંવાલીમાં સાત દિવસ માટે તમામ પ્રકારની રાજકીય સભાઓ, ધરણાં, રેલીઓ અને અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પીટીઆઈએ તાજેતરમાં ઈસ્લામાબાદ અને લાહોરમાં રેલીઓ કાઢી હતી, જેમાં ઈમરાન ખાનની મુક્તિ, ન્યાયતંત્રની સ્વતંત્રતા અને બંધારણના ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ખાનની પાર્ટી તરફથી ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુરે કહ્યું કે, જો પીટીઆઈના કાર્યકરો સામેની કાર્યવાહી બંધ કરવામાં નહીં આવે તો સંઘીય સરકાર અને અન્ય સંસ્થાઓને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. તેણે કહ્યું, જો તમે અમને એક ગોળી મારશો તો અમે તમને દસ ગોળીથી જવાબ આપીશું.
આ પહેલા ઈમરાન ખાને કહ્યું હતું કે કઠપૂતળી સરકાર ‘લંડન પ્લાન’ હેઠળ પીટીઆઈને કચડી નાખવા માંગે છે. તેણે કહ્યું, મને આ યોજના હેઠળ જેલમાં નાખવામાં આવ્યો હતો. અમે શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા. પરંતુ કાયદાએ મારા પક્ષનું રક્ષણ કર્યું નથી. અમારી મહિલાઓ જેલમાં છે. એક સગીર વયની મહિલા સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પણ કોઈને પડી નથી. ખાને કહ્યું, તેઓ (લશ્કરી સંસ્થાન) મને જેલમાં તોડવા માંગે છે, પરંતુ તેઓ સફળ થશે નહીં. તેમણે લોકોને કહ્યું કે તેઓએ જેલમાં જવાથી ડરવું જાઈએ નહીં અને કહ્યું કે ‘ક્રાંતિ’ નજીક છે.