પ્લાસ્ટર ઓફ પેરિસ થી બનેલી ગણેશ મૂર્તિઓના વિસર્જન અંગે મહારાષ્ટ્ર સરકાર ત્રણ અઠવાડિયામાં તેની નીતિ બનાવશે. રાજ્ય સરકારે સોમવારે બોમ્બે હાઇકોર્ટને આ માહિતી આપી. હાઈકોર્ટે સરકારને ચેતવણી આપી હતી કે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયામાં કોઈ વિલંબ થવો જાઈએ નહીં.
તમને જણાવી દઈએ કે અગાઉ હાઈકોર્ટે ફક્ત પીઓપી મૂર્તિઓના ઉત્પાદન અને વેચાણને મંજૂરી આપી હતી, પરંતુ કુદરતી જળ સ્ત્રોતોમાં તેમના વિસર્જન પર પ્રતિબંધ જાળવી રાખ્યો હતો. કોર્ટે રાજ્ય સરકારને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની નિષ્ણાત સમિતિની ભલામણોના આધારે વિસર્જન અંગે નીતિ બનાવવા કહ્યું હતું.
સોમવારે કેસની સુનાવણી દરમિયાન, એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધે અને ન્યાયાધીશ સંદીપ માર્નેની બેન્ચને જણાવ્યું હતું કે સરકારે આ અંગે બેઠકોનું આયોજન કર્યું છે અને નીતિ બનાવવા માટે વધુ ત્રણ અઠવાડિયાની જરૂર છે.
એડવોકેટ જનરલ સરાફની દલીલ પર, કોર્ટે કહ્યું કે તેમને સમય આપવામાં કોઈ વાંધો નથી, પરંતુ એ ધ્યાનમાં રાખવું પડશે કે તહેવારો ઓગસ્ટથી શરૂ થઈ રહ્યા છે. કોર્ટે નિર્દેશ આપ્યો કે રાજ્ય સરકાર ૨૩ જુલાઈ સુધીમાં કોર્ટ સમક્ષ પોતાની નીતિ રજૂ કરે જેથી સમયસર તેના પર વિચાર કરી શકાય.
નોંધનીય છે કે કોર્ટ ગણેશ મૂર્તિ બનાવનારાઓના સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આ કેસની સુનાવણી કરી રહી છે. આ અરજીઓમાં, સીપીસીબી ની માર્ગદર્શિકાને પડકારવામાં આવી હતી, જેમાં પીઓપી મૂર્તિઓના ઉત્પાદન અને વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અરજદારોએ કહ્યું કે આ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. જાકે, સીપીસીબીએ પાછળથી સ્પષ્ટતા કરી કે તેની નવી માર્ગદર્શિકા ફક્ત નિમજ્જન સંબંધિત છે, જેના પગલે કોર્ટે ઉત્પાદન અને વેચાણને મંજૂરી આપી, પરંતુ નિમજ્જન નીતિનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડી દીધો.









































