ભારતે પીઓકે પર કબજો કરવાની તક ફરી ગુમાવી દીધી ?
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય લશ્કરની ત્રણેય પાંખે પાકિસ્તાનમાં ઘૂસીને છેક પંજાબ લગી ધડબડાટી બોલાવી દીધી અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં આતંકવાદી અડ્ડાઓનો નાશ કર્યો તેના કારણે એક આશા જાગી હતી. લોકોને લાગ્યું હતું કે, આ વખતે ઈન્ડિયન આર્મી પીઓકે પર કબજો કરીને જ જંપ લેશે અને પાકિસ્તાને અત્યાર સુધી ભારતમાં આતંકવાદ દ્વારા જેમની હત્યા કરી છે એ બધાંનું તર્પણ કરી દેશે.
કમનસીબે અમેરિકાની મધ્યસ્થીના કારણે ભારતે યુધ્ધવિરામ સ્વીકાર્યો તેના કારણે આ આશા અધૂરી રહી ગઈ. ભારતે યુધ્ધવિરામ સ્વીકારતાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી પણ બંધ કરવી પડશે અને પીઓકેમાં ચાલી રહેલું મિલિટરી ઓપરેશન પણ બંધ કરવું પડશે. ભારત પાકિસ્તાન સામે કોઈ લશ્કરી કાર્યવાહી પણ નહીં કરી શકે કે પાકિસ્તાનના પ્રદેશમાં ઘૂસીને પણ લશ્કરી કાર્યવાહી નહી કરી શકે તેથી આતંકવાદીઓને રાહત મળી ગઈ છે.
ભારતીયો માટે આ સમાચાર નિરાશાજનક છે કેમ કે ઈન્ડિયન આર્મીએ આ વખતે જબરદસ્ત વ્યૂહરચના સાથે હુમલો કર્યો હતો. આતંકવાદીઓના અડ્ડા પીઓકેમાં ક્યાં છે તેની જ નહીં પણ પાકિસ્તાનમાં ક્યાં છે તેની ચોક્કસ બાતમી સાથે ભારતે હુમલો કર્યો હતો. ઈન્ડિયન એરફોર્સે હુમલાના જે પુરાવા આપ્યા તેના પરથી લાગે જ છે કે, આ વખતનો હુમલો જબરદસ્ત હતો અને પાકિસ્તાન તેની સામે ઝીંક ઝીલી શકે તેવી સ્થિતીમાં નહોતું પણ રાજકીય નિર્ણયે આર્મીના જોશ પર બ્રેક મારી દીધી.

મોદી સરકારે બીજી વાર તક ગુમાવી.
કાશ્મીરમાં આતંકવાદીઓએ ૨૦૧૯માં સીઆરપીએફ જવાનોના કાફલા પર હુમલો કરીને આપણા ૪૪ જવાનોની હત્યા કરી પછી આર્મીએ એક તક ઉભી કરી દીધી હતી. એ વખતે આતંકવાદની ઉપરાછાપરી બે ઘટના બની હતી. પુલવામામાં ૪૪ જવાનો શહીદ થયા તેના અઠવાડિયા પછી જ આપણી આર્મીના એક મેજર સહિત બીજા પાંચ જવાન શહીદ થઈ ગયા હતા. સીઆરપીએફના કાફલા પર જ્યાં હુમલો થયેલો તેનાથી દસેક કિલોમીટર દૂર જ પિંગલિના નામના ગામમાં આતંકવાદીઓ ભરાયેલા હોવાની આપણા લશ્કરને તેની ખબર પડી એટલે જવાનો તાબડતોબ ત્યાં પહોંચી ગયા હતા.
જવાનોએ ઘરને ઘેરી લીધું તેમાં થયેલા એન્કાઉન્ટરમાં આપણા ૫ જવાનોના જીવ ગયા હતા ને એક નાગરિક પણ મરાયો હતો. આર્મીના જવાનોએ વળતો પ્રહાર કરીને આખા ઘરને જ ઉડાવી દીધું. તેમાં અબ્દુલ રશીદ ગાઝી ઉર્ફે કામરાન સહિતના બે આતંકવાદી માર્યા ગયા હતા. આતંકવાદી સરદાર મસૂદ અઝહરના પોઠિયા અને ૪૦ જવાનોના જીવ લેનારા હુમલાના માસ્ટરમાઈન્ડ કામરાનને ઉડાવ્યા પછી આપણા લશ્કરે પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ઈન્ડિયન આર્મી અને એરફોર્સે છેક બાલાકોટ સુધી ઘૂસીને કરેલી સર્જિકલ સ્ટ્રાઈકે આતંકવાદીઓના છક્કા છોડાવી દીધા હતા.
ભારતે એ વખતે પણ હુમલા ચાલુ રાખ્યા હોત તો પીઓકે પાછું મેળવી શકાયું હોત. તેના બદલે ભારતે થોડાક આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને સંતોષ માન્યો હતો.
અત્યારે પણ ફરી એ જ સ્થિતી સર્જાઈ ગઈ.

ભૂતકાળમાં પણ ભારતે પીઓકે લેવાની તક ગુમાવી છે.
પાકિસ્તાને ૧૯૪૭માં કાશ્મીર પચાવી પાડવા હુમલો કર્યો ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ વધારે પડતા આદર્શવાદના નશામાં આખો કેસ જ બગાડી નાખ્યો. ૨૨ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો પછી તેમને ખદેડવા ૧૪ મહિના ઓપરેશન ચાલેલું. સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન હતા. તેમની વ્યૂહરચના પ્રમાણે ભારતીય લશ્કર પાકિસ્તાની સૈનિકો અને કબાલીઓને શોધી શોધીને ખદેડતું હતું ને કાશ્મીરના એક પછી એક ભાગ પર કબજો કરતું હતું ત્યારે નહેરૂ વાયડા થઈને યુનાઈટેડ નેશન્સમાં જતાં ૧ જાન્યુઆરી ૧૯૪૯થી યુધ્ધવિરામ સ્વીકાર્યો તેમાં તેમાં ત્રીજા ભાગનું કાશ્મીર આપણા હાથથી ગયું.
ભારતીય લશ્કર પાકિસ્તાનનો ખેલ ખતમ કરી નાખીને આખા કાશ્મીર પર કબજો કરી લેવાની સ્થિતીમાં હતું. પાકિસ્તાનના લશ્કરની ત્યારે આપણી સામે કોઈ હૈસિયત નહોતી. આપણું લશ્કર ધડાધડ આગળ વધતું હતું તે જોતાં પાકિસ્તાનનો ઘડોલાડવો કરવો સરળ હતો પણ નહેરૂની વાયડાઈ આપણને ભારે પડી ગઈ.

ઈન્દિરા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી પાસે વધારે સારી તકો હતી કેમ કે બંનેના કાર્યકાળમાં પાકિસ્તાને હુમલો કર્યો હતો. આ બંને યુધ્ધમાં ભારતે ચોખ્ખી જીત મેળવી હતી તેથી પાકિસ્તાનને પીઓકે છોડી દેવાની ફરજ પાડી શક્યા હોત પણ શાસ્ત્રી અને ઈન્દિરા બંને જીત છતાં પીઓકે પાછું ના મેળવી શક્યા.
પાકિસ્તાને ૧૯૬૫માં કાશ્મીર કબજે કરવા હુમલો કર્યો ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા. ૧૯૬૫નું યુધ્ધ કાશ્મીર સરહદે લડાયેલું. ભારતે તોડી નાંખે એવો જવાબ આપીને પાકિસ્તાનનો ૩૯૦૦ ચોરસ કિલોમીટર નવો વિસ્તાર કબજે કરેલો. આપણું લશ્કર આગળ વધતું હતું ત્યાં જ દુનિયાના દેશોનું દબાણ આવતાં આપણે કમને યુધ્ધવિરામ સ્વીકાર્યો તેમાં વાત બગડી ગઈ. રશિયાના દબાણ હેઠળ શાસ્ત્રીજી સોવિયેત યુનિયનના તાશ્કંદમાં પાકિસ્તાન સાથે મંત્રણા કરવા ગયા ને ત્યાં જ ગુજરી ગયા તેમાં પીઓકે પણ પાછું ના મળ્યું. શાસ્ત્રીજીના રહસ્યમય રીતે થયેલા મોતના કારણે પાકિસ્તાન સામે લડવાની વાત જ બાજુ પર રહી ગઈ.
ઈન્દિરા ગાંધી પાસે પણ શ્રેષ્ઠ તક હતી.
ઈન્દિરા ગાંધીએ ૧૯૭૧ના યુધ્ધ વખતે પાકિસ્તાનના ભુક્કા બોલાવી દીધેલા. પાકિસ્તાનનાં ઉભાં ફાડિયાં કરીને પૂર્વ બંગાળને આઝાદ કરાવેલું ને બાંગ્લાદેશના રૂપમાં નવા રાષ્ટ્રનો ઉદય કરાવેલો. ભારતે પાકિસ્તાનના ૯૩,૦૦૦ સૈનિકોને બંદી બનાવેલા. આપણું લશ્કર ડારા દેતું છેક લાહોરના પાદર લગી પહોંચી ગયેલું. પાકિસ્તાન એ હદે દબાઈ ગયેલું કે આપણે તેના સૈનિકો અને લાહોરના પાદરેથી ખસવાના બદલામાં તેને કાશ્મીર પાછું આપવા ફરજ પાડી શક્યા હોત. ઈન્દિરા ગાંધી પણ અમેરિકા ને રશિયા સામે ઝૂકી ગયાં ને ખેલ પાછો બગડી ગયો. તેમણે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સાથે સિમલા કરાર કરીને કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષી ઉકેલવાનો કરાર કર્યો પણ પીઓકે પાછું ના મેળવી શક્યાં.

અટલ બિહારી વાજપેયીએ પણ ૧૯૯૯માં પીઓકે પાછું લેવાની તક ગુમાવી હતી. પાકિસ્તાની લશ્કર સત્તાવાર રીતે કારગિલ યુધ્ધ નહોતું લડ્‌યું પણ પાકિસ્તાની લશ્કરના જવાનો આતંકવાદી તરીકે ઘૂસેલા. ભારતે ૮ પાકિસ્તાનીને કેદ પકડેલા ને તેમની પૂછપરછમાં ભાંડો ફૂટેલો. પાકિસ્તાને ભારતનું ૧ જેટ ફાઈટર તોડી પાડેલું જ્યારે ૧ જેટ ફાઈટરને નુકસાન કરાયેલું. ભારતનું ૧ હેલિકોપ્ટર પણ તોડી પડાયેલું. ભારતના કેપ્ટન સૌરભ કાલિયાને પાકિસ્તાને કેદ પકડેલા અને તેમની સાથે અમાનવિય વર્તન કરીને તેમની હત્યા કરી હતી.
પાકિસ્તાનની સરખામણીમાં ભારતને વધારે નુકસાન થયેલું કેમ કે પાકિસ્તાને ભારત સાથે વિશ્વાસઘાત કરીને પીઠ પાછળ હુમલો કરેલો. ભારતને એક વાર આ આક્રમણની ખબર પડી પછી ભારત પૂરી તાકાતથી તૂટી પડ્‌યું અને પાકિસ્તાનને ખદેડીને ભારતે ફરી પોતાના વિસ્તારો પર કબજો કરીને વધુ એક યશસ્વી પ્રકરણ ઉમેર્યું પણ સાથે સાથે પીઓકે પર કબજો કરવાની તક પણ ભારતે તક ગુમાવી.
કારગિલ યુધ્ધ ભારત માટે આખા કાશ્મીર પર કબજો કરવાની શ્રેષ્ઠ તક હતી. પાકિસ્તાને આક્રમણ કર્યું હતું ને ભારતે સ્વરક્ષણ માટે જવાબ આપીને ભારતના લશ્કરે પાકિસ્તાનને ખદેડતાં ખદેડતાં પીઓકેમાં ઘૂસીને કબજો કરી લેવાની જરૂર હતી પણ વાજપેયી એ હિંમત ના બતાવી શક્યા. જવાહરલાલ નહેરૂ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધીએ કરેલી ભૂલ દોહરાવીને વાજપેયીએ મોટી તક રોળી નાંખી.

પીઓકે પર કબજો ના થાય ત્યાં સુધી આતંકવાદ બંધ ના થાય.
પાકિસ્તાન પીઓકેનો ઉપયોગ આતંકવાદના લોચિંગ પેડ તરીકે કરે છે તેથી ખરી જરૂર તો પાકિસ્તાની લશ્કરને જ પાંસરૂં કરવાની છે. આતંકીઓની કરોડરજ્જુ પાકિસ્તાની લશ્કર છે અને આ કરોડરજ્જુ તોડી નાંખો તો આતંકવાદીઓ ધરાશાયી થઈ જાય. આ સંજોગોમાં ભારતે અસલી પાઠ પાકિસ્તાની આર્મીને ભણાવવાનો છે. પાકિસ્તાની લશ્કર ભારતીય ચોકીઓ પર ગોળીબાર કરીને ભારતીય લશ્કરનું ધ્યાન બીજી તરફ વાળે તેનો લાભ લઈને આતંકવાદીઓ ભારતમાં ઘૂસે છે ને પાકિસ્તાની લશ્કરે આપેલાં શસ્ત્રોથી આપણે ત્યાં લોહીની નદીઓ વહાવે છે. આતંકવાદીઓની તાકાત જ પાકિસ્તાની લશ્કર છે. આપણે એ તાકાતને જ તોડી નાંખીએ તો આતંકીઓની કોઈ હૈસિયત નથી.
અલબત્ત તેના માટે મોટું યુધ્ધ કરવું પડે પણ આપણે યુદ્ધ ના કરીએ ને પીઓકે છિનવી લઈએ તો પણ ચાલે.