ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ તેના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન રોકેટ દ્વારા અવકાશમાં પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ (ઇઓએસ-૦૯) મોકલવાનો પ્રયાસ કર્યો. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના અવકાશ કેન્દ્રના પ્રથમ લોન્ચ પેડ પરથી સવારે ૫:૫૯ વાગ્યે અવકાશયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, ટેકનિકલ ખામીને કારણે ઉપગ્રહને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી શકાયો ન હતો. લોન્ચ વ્હીકલ  પીએસએસવી-સી ૬૧ માટે શનિવારે લોન્ચ પહેલા કાઉન્ટડાઉન શરૂ થયું.ઇઓએસ-૦૯ કોઈપણ હવામાન પરિસ્થિતિઓમાં પૃથ્વીની સપાટીની ઉચ્ચ-ગુણવત્તાવાળી છબીઓ લેવામાં સક્ષમ છે. ઈસરોનું આ ૧૦૧મું મિશન કૃષિ-વનીકરણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પીએસએસવી-સી ૬૧ ના લોન્ચ પછી ટેકનિકલ ખામી અંગે ઇસરોના વડા વી નારાયણને કહ્યું કે, ત્રીજા તબક્કાના સંચાલન દરમિયાન સમસ્યા આવી હતી. વૈજ્ઞાનિકો અવલોકનો કરી રહ્યા છે. મિશન પૂર્ણ થઈ શક્યું નહીં. તેમણે કહ્યું કે ડેટાનું વિશ્લેષણ કર્યા પછી, ઇસરો આ મિશન અંગે વિગતવાર માહિતી આપશે.

ઇસરોના જણાવ્યા અનુસાર, લોન્ચ પહેલા,પીએસએસવી-સી ૬૧  માટે ૨૨ કલાકનું કાઉન્ટડાઉન શનિવારે સવારે ૭.૫૯ વાગ્યે શરૂ થયું. આ પીએસએલવી શ્રેણીનું ૬૩મું મિશન છે. આ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ (ઇઓએસ-૦૯) નો હેતુ ૨૪ કલાક સચોટ અને સ્પષ્ટ છબીઓ મેળવવાનો હતો.

ઇઓએસ-૦૯ માંથી સચોટ રીઅલ-ટાઇમ માહિતી કૃષિ, વનીકરણ દેખરેખ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા કાર્યક્રમો માટે મહત્વપૂર્ણ રહેશે. આ મિશનનો ઉદ્દેશ્ય દેશભરમાં બનતી ઘટનાઓની વાસ્તવિક સમયની માહિતી એકત્રિત કરવાની જરૂરિયાતને પૂર્ણ કરવાનો છે.

ઇસરો અનુસાર, પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ-૦૯, જેનું વજન લગભગ ૧,૬૯૬.૨૪ કિલો છે, તે ૨૦૨૨ માં લોન્ચ કરાયેલ ઇઓએસ-૦૪ જેવું જ છે. પીએસએસવી-સી ૬૧ રોકેટ ૧૭ મિનિટની મુસાફરી પછી ઇઓએસ-૦૯ ઉપગ્રહને સન સિંક્રનસ પોલર ઓર્બિટમાં મૂકી શકે છે. ઉપગ્રહ ઇચ્છીત ભ્રમણકક્ષામાં અલગ થયા પછી, વૈજ્ઞાનિકો પાછળથી ભ્રમણકક્ષાની ઊંચાઈ ઘટાડવા માટે વાહન પર ઓર્બિટ ચેન્જ થ્રસ્ટર્સનો ઉપયોગ કરશે.

ઇસરોએ જણાવ્યું હતું કે ઇઓએસ-૦૯ ના મિશનનો સમયગાળો પાંચ વર્ષનો છે. વૈજ્ઞાનિકોના મતે, ઉપગ્રહને તેના અસરકારક મિશન જીવનકાળ પછી ભ્રમણકક્ષામાંથી દૂર કરવા માટે પૂરતું બળતણ અનામત રાખવામાં આવ્યું છે જેથી તેને બે વર્ષમાં ભ્રમણકક્ષામાં નીચે લાવી શકાય, જેનાથી કાટમાળ મુક્ત મિશન સુનિશ્ચિત થઈ શકે.