બનાસકાંઠા જિલ્લાના વડગામનું કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા માટેનું જળ આંદોલન હવે ઉગ્ર બનતું જઈ રહ્યું છે. ખેડૂતોની મહારેલી બાદ પણ કોઇ નિરાકરણ ન આવતા હવે ૧૨૫ ગામની ૫૦ હજોર પશુપાલક મહિલાઓએ આજથી પ્રધાનમંત્રી મોદીને પત્રો લખવાની શરૂઆત કરી છે. જેમાં માહિલાઓએ પ્રધાનમંત્રીને પોતાના વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવાની માંગણી કરી છે.
બનાસકાંઠાના વડગામ અને પાલનપુરમાં પાણીના તળ ખૂબ જ ઊંડા જવાથી ખેડૂતોને સિંચાઇ માટેનું પૂરતું પાણી મળતું નથી. જેથી ખેડૂતો પૂરતા પ્રમાણમાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી શકતા નથી. આથી ખેડૂતોની હાલત કફોડી બનતી જઈ રહી છે. જેને લઈને વડગામના કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની માંગ સાથે છેલ્લા ૨ મહિનાથી ખેડૂતોએ જળ આંદોલન છંછેડાયું છે. જેમાં થોડા દિવસ પહેલા ૧૨૫ ગામોના ૫૦ હજોરથી વધુ ખેડૂતોએ પાલનપુરમાં વિશાળ મહારેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તે બાદ ગામેગામ ખેડૂતોએ ગામના મંદિરો અને ચોકમાં મહાઆરતી કરી દીપ પ્રગટાવી સરકાર અને તંત્રને સદબુદ્ધિ આવે તે માટે પ્રાર્થના કરી હતી. જોકે તે બાદ પણ સરકાર કે તંત્ર દ્વારા કોઈ જ
કાર્યવાહી ન કરતાં આખરે ૧૨૫ ગામોની મહિલા પશુપાલકો પણ હવે જળ આંદોલનમાં જોડાઈ છે. આજે ૧૨૫ ગામોમાં મહિલાઓ ગામની દૂધ મંડળીઓ, ગામના ચોક, મહોલ્લામાં એકત્રિત થઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાની વેદના વ્યક્ત કરવા ૫૦ હજોર જેટલા પત્ર લખીને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી રહી છે.
વડગામના કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની માંગ સાથે આજે મહિલા પશુપાલકો પ્રધાનમંત્રીને પત્ર લખી રહી છે. વડગામ અને પાલનપુરમાં પાણીની ખૂબ જ વિકટ સમસ્યા છે. ખેતી અને પશુપાલન ઉપર પોતાના ઘરનું ગુજરાન ચલાવતા લોકો પાણી વગર લાચાર બન્યા છે. ત્યારે મહિલા પશુપાલકોનું કહેવું છે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તમને તકલીફ પડે તો તમારા આ ભાઈને ફક્ત એક પત્ર લખજો એટલે આજે અમે ૫૦ હજોર જેટલા પત્રો લખીને અમારા ભાઈને અમારી વેદના જતાવી રહ્યા છીએ. જો તેમ છતાં અમારી માંગ નહિ સ્વીકારાય તો અમે આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું.