પીએમ મોદી બ્રાઝિલની ચાર દિવસની મુલાકાતે રિયો ડી જાનેરો પહોંચ્યા છે. અહીં ભારતીય સમુદાય દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી બ્રાઝિલમાં ૧૭મા બ્રિક્સ સમિટમાં પણ ભાગ લેશે. તે જ સમયે, ભારતીય પ્રવાસીઓએ રિયો ડી જાનેરોમાં પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પરંપરાગત નૃત્યો અને લોકગીતો રજૂ કર્યા. આમાં ખાસ વાત એ હતી કે પીએમ મોદીની સામે ઓપરેશન સિંદૂરની થીમ પર આધારિત ‘યે દેશ નહીં મિટને ડુંગા’ ગીત પર નૃત્ય પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ભારતીયો સાથે પણ વાત કરી હતી.
વાસ્તવમાં, પીએમ મોદી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાના આમંત્રણ પર બ્રાઝિલની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદી આજે રિયો ડી જાનેરોના ગેલેઓ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં પીએમ મોદી રિયો ડી જાનેરોમાં ૧૭મા બ્રિક્સ સમિટમાં ભાગ લેશે, ત્યારબાદ તેઓ રાજ્યની મુલાકાત લેશે. આ પીએમ મોદીની બ્રાઝિલની ચોથી મુલાકાત છે. પીએમ મોદી બ્રિક્સ સમિટ દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરી શકે છે. પ્રધાનમંત્રી બ્રાઝિલની રાજ્ય મુલાકાત માટે બ્રાઝિલિયા જશે, જ્યાં તેઓ વેપાર, સંરક્ષણ, ઊર્જા, અવકાશ, ટેકનોલોજી, કૃષિ, આરોગ્ય અને લોકો-થી-લોકોના સંબંધો સહિત પરસ્પર હિતોના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવા પર રાષ્ટ્રપતિ લુલા સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર બ્રાઝિલમાં તેમના આગમનની માહિતી આપી એકસ પર એક પોસ્ટમાં તસવીરો શેર કરતા પીએમ મોદીએ લખ્યું, “બ્રાઝિલના ભારતીય સમુદાયના સભ્યોએ રિયો ડી જાનેરોમાં ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું. તે આશ્ચર્યજનક છે કે તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે કેટલા જાડાયેલા છે અને ભારતના વિકાસ માટે તેઓ કેટલા ઉત્સાહી છે! સ્વાગત સમારોહની કેટલીક ઝલક અહીં છે.”
તમને જણાવી દઈએ કે પીએમ મોદી આર્જેન્ટિનાની મુલાકાત પૂર્ણ કર્યા પછી બ્રાઝિલ પહોંચ્યા હતા. તેમણે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. બ્રાઝિલ પછી, વડા પ્રધાન મોદી ૯ જુલાઈએ નામિબિયા જશે અને ત્યાં સંસદને પણ સંબોધિત કરશે. વડા પ્રધાન મોદીએ બુધવારે ઘાનાથી પાંચ દેશોના આઠ દિવસના પ્રવાસ (૨ જુલાઈથી ૯ જુલાઈ સુધી) શરૂ કર્યા હતા. ઘાનાથી, વડા પ્રધાન કેરેબિયન દેશ ત્રિનિદાદ અને ટોબેગો અને પછી આર્જેન્ટિના ગયા હતા.








































