ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેરમાં સ્થિત પ્રખ્યાત કરણી માતા મંદિરની મુલાકાત લેવાના છે. પીએમ મોદી ૨૨ મેના રોજ કરણી માતા મંદિરની મુલાકાત લેશે. આ દરમિયાન કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ પીએમ મોદી સાથે હાજર રહેશે.

કરણી માતા મંદિર રાજસ્થાનના બિકાનેરથી લગભગ ૩૦ કિલોમીટર દૂર દેશનોક વિસ્તારમાં આવેલું છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે કરણી માતા દેવી દુર્ગાનો અવતાર છે. વર્ષના બંને નવરાત્રિ નિમિત્તે કરણી માતા મંદિરમાં ભારે ભીડ ઉમટે છે. આ સમય દરમિયાન, કરણી માતાના મંદિરને શણગારીને પણ આ તહેવાર ઉજવવામાં આવે છે.

કરણી માતા મંદિરનું નિર્માણ ૧૫મી સદીની આસપાસ રાજપૂત રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જાધપુર અને બિકાનેર પર શાસન કરનારા રાઠોડ રાજાઓ દ્વારા કરણી માતાની પૂજા કરવામાં આવતી હતી. કરણી માતાને બિકાનેર રાજવી પરિવારની કુળદેવતા માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે તેમના આશીર્વાદથી જ બિકાનેર અને જાધપુર રજવાડાઓની સ્થાપના થઈ હતી. માહિતી અનુસાર, કરણી માતાનું હાલનું મંદિર ૨૦મી સદીની શરૂઆતમાં બિકાનેર રાજ્યના મહારાજા ગંગા સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

બિકાનેરમાં સ્થિત કરણી માતા મંદિરને ઉંદરોના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ પવિત્ર મંદિરમાં લગભગ ૨૦ હજાર કાળા ઉંદરો રહે છે. સવારે ૫ વાગ્યે મંગળા આરતી અને સાંજે ૭ વાગ્યે આરતી દરમિયાન મંદિરમાં ઉંદરોનું સરઘસ જાવા મળે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં મંદિર આવેલું છે, ત્યાં કરણી માતા એક ગુફામાં રહેતી હતી અને તેમના પ્રિય દેવતાની પૂજા કરતી હતી. આ ગુફા હજુ પણ મંદિર પરિસરમાં હાજર છે. આ ઉપરાંત મંદિરના મુખ્ય દરવાજા પર આરસપહાણનું કોતરકામ કરવામાં આવ્યું છે જેને જોવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે.