ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપનો ત્રણ દેશોનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. મોદી ૧૩ થી ૧૭ મે દરમિયાન ક્રોએશિયા, નોર્વે અને નેધરલેન્ડની મુલાકાતે જવાના હતા. પ્રધાનમંત્રી નોર્ડિક સમિટમાં ભાગ લેવા માટે નોર્વે જવાના હતા. સંબંધિત દેશોને આ નિર્ણય વિશે જાણ કરવામાં આવી છે.
આ પહેલા વડાપ્રધાન મોદીએ પણ તેમનો રશિયા પ્રવાસ મુલતવી રાખ્યો હતો. પ્રધાનમંત્રી ૯ મેના રોજ મોસ્કોમાં વિજય દિવસ પરેડમાં હાજરી આપવાના હતા. પીએમ મોદીને રશિયા દ્વારા વિજય દિવસ પરેડ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાકે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે પીએમ મોદીએ તેમની મુલાકાત મુલતવી રાખી હતી.
અગાઉ, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીને પહેલગામનો બદલો લીધો હતો. આમાં આતંકવાદી નેતાઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો સમાવેશ થાય છે. ભારતે મુઝફ્ફરાબાદ, બહાવલપુર, મુરીદકે, સિયાલકોટ અને કોટલીમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. દેશની ત્રણેય સેનાઓએ સાથે મળીને આ મિશન પૂર્ણ કર્યું.
આ પહેલા, ગઈકાલે ગ્લોબલ કોન્ફરન્સ ઓન સ્પેસ એક્સપ્લોરેશન માટે રેકોર્ડ કરાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિડીયો સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘અવકાશ માત્ર એક ગંતવ્ય સ્થાન નથી. તે જિજ્ઞાસા, હિંમત અને સામૂહિક પ્રગતિની ઘોષણા છે. ભારતીય અવકાશ યાત્રા આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે. ૧૯૬૩માં એક નાનું રોકેટ લોન્ચ કરવાથી લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બનવા સુધીની અમારી સફર નોંધપાત્ર રહી છે.









































