હવે આંદોલન ખતમ કરવા અંગે રાજકારણ શરુ થયુ છે.પહેલા ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, પીએમ મોદી પર મને ભરોસો નથી ત્યારે હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ રાકેશ ટિકૈતના સમર્થનમાં આવ્યા છે.
પ્રિયંકાએ કહ્યુ છે કે, આ સરકારનુ વલણ રોજ બદલાય છે અને પીએમ મોદી પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.આ આંદોલનમાં અત્યાર સુધી ૬૦૦ ખેડૂતો શહીદ થયા છે.તમારા મંત્રીના પુત્રે ખેડૂતોને કચડી નાંખ્યા છે.તે વખતે તમને કોઈ પરવા નહોતી.પીએમ મોદીએ શહીદ થયેલા ખેડૂતોને શ્રધ્ધાંજલિ આપવાની જરુર છે.
તેમણે કહ્યુ છે કે, તમારા મંત્રીના પુત્રે ખેડૂતોને કચડયા છતા તમે તેને સંરક્ષણ આપ્યુ છે.તમારી પાર્ટીના નેતાઓએ ખેડૂતોનુ અપમાન કરીને તેમને આંતકી, દેશદ્રોહી, ગુંડા જેવા શબ્દો કર્યા હતા.તમે પોતે ખેડૂતોને આંદોલનજીવી કહ્યા હતા.તેમના પર દંડા વરસાવ્યા હતા.હવે જ્યારે ચૂંટણીમાં હાર સામે દેખાઈ છે ત્યારે તમને અચાનક સત્ય સમજ પડી રહી છે.આ દેશ ખેડૂતોએ બનાવ્યો છે અને ખેડૂતોના હિતને કચડીને કોઈ સરકાર દેશ ચલાવી શકે નહીં.આ દેશમાં હંમેશા ખેડૂતોનો જયજયકાર થશે.