ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ અને આચાર્ય દેવો ભવઃનું અનન્ય મહત્વ છે. પિતા એ ઘરનો મોભી અને પહાડ છે. એક પિતા ઘરના તમામ સભ્યોની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પોતે સોનાની જેમ તપે છે અને ઘરને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે છે. હજારો દુઃખો વચ્ચે પરિવારને ખુશખુશાલ રાખવાની શક્તિ જો કોઈનામાં જોવી હોય તો પિતાશ્રીમાં જોવા મળશે. પિતા એટલે પરમેશ્વર. આજે બાળકો ભૌતિકવાદમાં જીવે છે. લગ્ન થઈ ગયા પછી માતા અને પિતા કોણ તે તેમને ખ્યાલ હોતો નથી એટલે આપણા દેશમાં વૃદ્ધાશ્રમો અને માતા-પિતાથી છોકરાઓ અલગ રહે છે. સૌથી વધુ દરિદ્રતાએ છે કે આ સમસ્યા શિક્ષિત અને સવર્ણ પ્રજામાં જોવા મળે છે. ગમે તેટલી લક્ષ્મી મળે મા બાપ નહીં મળે.
સોશિયલ મીડિયામાં મા અને બાપના ફોટા મુકવાથી પ્રેમ વ્યક્ત નહીં થઈ શકે. તેમણે તમને ઉછેરવામાં જાત ઘસી નાખી છે ત્યારે આજે આપણે વેલસેટ છીએ.ચારધામની યાત્રાનું પુણ્ય માતા-પિતાની સેવામાં રહેલું છે. સાધુ, સંતોને માન મર્યાદા આપી સેવા કરો અને આચરણમાં મૂકો તે જરૂરી છે. પરંતુ ઘરમાં જે મા બાપ છે તેની સેવા કરવામાં ભગવાન રાજી છે. દરેકના ઘેર મહાભારત અને રામાયણ બંને હોય છે. મોટાભાગે સાસુ વહુના કંકાસના કારણે પતિ અને સસરાની જે તકલીફો નિર્માણ થઈ છે તેને દૂર કરવા માટે માત્ર એક જ માર્ગ છે સમજણ શક્તિ. પિતા બધા દુઃખ સહન કરી શકે પરંતુ જ્યારે પોતાના બાળકો તેમનાથી ઉપરવટ જઈને તેમને દુઃખ પહોંચાડે તે સહન કરી શકશે નહીં. પિતા બનવું હોય તો દશરથ રાજા જેવા બનજો અને પુત્ર બનવું હોય તો રામ જેવા બનજો.
પિતાનું સ્થાન જીવનમાં ખૂબ ખાસ હોય છે. પિતા આપણા આદર્શ હોય છે. તેમાંથી આપણે આપણા વ્યક્તિત્વ અને મનનો વિકાસ કરીએ છીએ.તેમના દ્વારા શીખવેલા માર્ગ પર ચાલીને જીવનમાં આગળ વધીએ છીએ. અમારા પિતાજી ગામના સરપંચ અને સમાજસેવક હતા તેમના થકી આજે મને ઉપલબ્ધિ મળી છે. તેઓ અક્ષરધામમાં છે તેમ છતાં તેમની ખોટ ક્યારેય પણ પુરાય એમ નથી. પિતા હમેશા આગળ વધવાની શીખામણ આપતા હોય છે. પિતાથી વધુ સારો માર્ગદર્શક કોઈ ન હોઈ શકે. દરેક બાળક તેમના પિતાજી પાસે જીવન જીવવાની કલા અને ઘણું બધું શીખે છે. જેને જીવનભર અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગોમાં કઈ રીતે જીવન જીવવું તે પિતાશ્રી પાસેથી શીખવા મળે છે. તેમની પાસે જ્ઞાનનો તેમજ અનુભવનો અમૂલ્ય ભંડાર હોય છે જે ક્યારેય ખત્મ થતો નથી.
બાળક જે સપના જુએ છે તે સપનાને સાકાર પપ્પા જ કરે છે. બાળકના સપનાને પૂરા કરવા માટે એક પિતા તેમનો થાક, ભૂખ બધુ ભૂલી જાય છે. બધાની સામે માતાની જેમ રડી નહી શકે પણ એકલતામાં મોઢુ છુપાવીને ડુસકા ભરીને રડી લે તે પિતા હોય છે. માતા તો રડીને તેમના દુઃખને હળવું કરી લે છે પણ પિતા તેમના બાળકોને હિમ્મત આપવા માટે હમેશા તેમની સામે જોઈને તેમને સામર્થ્ય પૂરું પાડે છે.
પિતાની હાજરી હોય છે એટલે તમામ અગવડોનું સગવડમાં રૂપાંતર થઈ જાય છે. પિતાશ્રીની હયાતી પારિવારિક અને સામાજિક નિષ્ઠા અને આવડત સમાજનું દર્પણ છે. પિતાશ્રી માટે અતુલ્ય પ્રેમ હોવો જોઈએ. જેણે જન્મ આપ્યો છે તે જ આપણા ભગવાન. પાછલી જિંદગીમાં તેમને સુખ આપવું તે દરેક પુત્ર અને પુત્રીની નૈતિક ફરજ બને છે. દીકરીને બાપ વ્હાલો હોય છે. દીકરાને મા વ્હાલી હોય છે. બાપ ગમે તેવો પહાડ જેવો કઠિન હોય પરંતુ દીકરી લગ્ન કરીને સાસરે જતી હોય ત્યારે તેનું હૃદય કંપી ઊઠે અને ચોધાર આંસુએ રડતો બાપ જ હોય. જેના માથા ઉપર મા બાપનો હાથ હોય તે દુનિયાનો નસીબદાર માણસ છે.
પિતા પ્રકાશ જેવા છે, જે બાળકના જીવનને પ્રકાશિત કરવા માટે પોતે જ બળી જાય છે. દીકરાઓને ભણાવવામાં અને મોટા કરવામાં પોતાની જાત ઘસી નાખે છે ત્યારે લાઈફ બનતી હોય છે. મજૂરી કરીને આવતો બાપ પોતે જે જમવાનું મળે એ ઠંડુ જમીને પણ બાળકોને ગરમ ખવડાવવાનું કાર્ય કરતાં પિતા એ ભગવાનથી કમ નથી.દીકરાઓની ખુશી માટે રાત દિવસ એક કરી પરસેવો પાડી કમાણી કરતો બાપ એક જાતનો મજૂર બની પરિવારની ખુશી નિર્માણ કરનાર વ્યક્તિ એટલે પિતાજી.
ક્યારેક ગુસ્સો, ક્યારેક પ્રેમ, આ જ પિતાના પ્રેમની નિશાની છે. પિતાનો અનન્ય સ્નેહ અને તાપ બાળકોનું ઘડતર કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. અલી ડોસા પોતાની પુત્રી મરીયમના પત્રની રાહ કેવી જોવે છે. એક બાપ પરિવારની ખુશી માટે સવારથી ઉઠી સાંજ સુધી મજૂરી કરે છે ત્યારે નિરાંતે જીવન જીવી શકાય છે. પિતાશ્રીનું સ્થાન દુનિયામાં કોઈ લઈ શકે તેમ નથી. પિતાની ઘરમાં હાજરી એટલે શાંતિવન અને વૃંદાવનની પ્રતીતિ થઈ શકે છે. અઢી દાયકાથી પિતાશ્રી નથી બધું જ છે તે નથી. ત્યાં આંસુઓનો મહાસાગર છે. પિતા પરિવારનું વટવૃક્ષ છે. મારા વાચક વર્ગને વિનંતી કે મા બાપની સેવા એ જ નિજાનંદ આનંદ છે.