રખિયાલ પોલીસ સ્ટેસનમાંફરજ બજાવતા એક કોન્સ્ટેબલના મળતીયા માણસની એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ રૂ.૧૦,૦૦૦ ની લાંચ લેતા ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ ફરિયાદીના મિત્રને મારામારીના કેસમાં રજુ કરીને મારઝુડ નહી કરવા, અન્ય કેસોમાં ન ફસાવવા તથા ઝડપથી જામીન કરાવવા રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈએ તેની પાસે રૂ.૩૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
આથી ગભરાયેલા ફરિયાદીએ કોન્સ્ટેબલને રૂ.૨૦,૦૦૦ આપી દીધા હતા.બાદમાં બાકી રહેલા રૂ.૧૦,૦૦૦ માટે કરણભાઈ અવારનવાર ફરિયાદીને ફોન કરીને પરેશાન કરતા હતા. જાકે ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ રખિયાલમાં ચારોડીયા પોલીસ ચોકીના મુખ્ય દરવાજા પાસે છટકુ ગોઠવ્યું હતું.જેમાં કોન્સ્ટેબલ કરણભાઈ વતી લાંચ લેવા આવેલો તેમનો મળતીયો માણસ મુસ્તાક રસુલ અલ્લા રખા સૈયદ લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. જાકે આરોપી કરણ ઝડપાયો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.