યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે આગામી સપ્તાહ દરમ્યાન બંધ રાખવામાં આવશે તેવી જોહેરાત કરવામાં આવી છે. આગામી ૧૩ તારીખ સોમવારથી ૧૭ તારીખ શુક્રવાર સુધી એમ ૫ દિવસ મંદિરમાં દર્શન કાર્ય બંધ રાખવામાં આવશે. હાલમાં મંદિરમાં વિકાસની કામગીરી ચાલી રહી છે. જેથી મંદિરને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે. આ દિવસોમાં પાવાગઢ ખાતે રોપવે પણ બંધ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, યાત્રાળુઓને મહાકાળી માના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે) ચલાવવામાં આવે છે. પરંતુ તારીખ ૧૩/૧૨/૨૦૨૧ થી ૧૮/૧૨/૨૦૨૧ સુધી રોપ વે ૬ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, તારીખ ૧૯ ડિસેમ્બરથી તે પુનઃ શરૂ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, ૬ દિવસ સુધી મેઇન્ટેનન્સ માટે થઇને આ રોપ વે સેવા બંધ કરાશે.
અગાઉ ૩ મહીના પહેલાં ચોમાસા દરમિયાન પાવાગઢ સ્થિત રોપ વે સેવા સલામતીના ભાગરૂપે થોડાં કલાકો માટે બંધ કરાઇ હતી. ત્યારે એક સમયે તો રોપ વેમાં રિટર્ન ટિકિટ લઇને ઉપર પહોંચેલા યાત્રીઓ પરત ફરતા રોપવે બંધ હોવાનું જોણવા મળતા યાત્રાળુઓ ભારે રોષે ભરાયા હતાં અને રિફન્ડ બાબતે પણ ભારે રકઝક થઇ હતી. જો કે, ઘણી લાંબી માથાકૂટ બાદ રોપ-વે સંચાલકો દ્વારા યાત્રાળુઓને રિટર્ન ટિકિટનું રિફન્ડ આપતા મામલો થાળે પડ્યો હતો.’