પાલનપુરની પ્રાંત કચેરી ખાતે બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે આજે શુક્રવારે ચૂંટણી યોજોઈ હતી. જેમાં ચેરમેન તરીકે અણદા પટેલ અને વાઈસ ચેરમેન તરીકે પીરા ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે. બનાસ બેંકના નવા નિયામક મંડળે સર્વાનુમતે ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરી છે. પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના અંગત વિશ્વાસુ વ્યક્તિઓની વરણી થતાં તેમને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યાં હતા.
બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક માટે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજોઈ હતી. પાલનપુર પ્રાંત કચેરી ખાતે યોજોયેલી ચૂંટણીમાં કાંકરેજ બેઠક પરથી ડિરેક્ટર અણદા પટેલની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. જયારે ભાભર બેઠકના ડિરેક્ટર પીરાજી ઠાકોરને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ બાદ નાયબ ચૂંટણી અધિકારી શિવરાજ ગિલવાએ આ બંને ઉમેદવારો સામે કોઈપણ હરીફ ઉમેદવાર ન આવતા બંનેને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ નિયુક્ત કરી હતી.
જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકમાં અણદા પટેલની બિનહરીફ ચેરમેન તરીકે વરણી થતા તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અણદા પટેલ છેલ્લા ૧૯ વર્ષથી બનાસ બેંકમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. હવે જ્યારે તેમને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવતા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા તેમજ ખેડૂતોને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે તેઓ કાર્યરત રહેશે. જ્યારે બીજી તરફ વાઇસ ચેરમેન તરીકે પીરાજી ઠાકોરની વરણી કરવામાં આવતા ઠાકોર સમાજમાં પણ ઉત્સાહની લાગણી છવાઈ છે.