બનાસકાંઠાનાં પાલનપુરમાં ડિફેન્સ એકેડમીના સંચાલકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારની યુવતીને ભરતીમાં પાસ કરાવવાની લાલચ આપી હોટલમાં લઈ જઈ અવારનવાર કૃત્ય કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. યુવતીના પરિવારે ફરિયાદ નોંધાવતા સંચાલકની કરતૂત સામે આવી છે.
બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર-અંબાજી હાઈવે પર લાઈફ ડિફેન્સ એકેડમીનાં સંચાલક પ્રવીણ કુગસિયાની કાળી કરતૂત સામે આવી છે. એકેડમીમાં તાલીમ માટે આવેલી યુવતી સાથે સંચાલકે નજર બગાડી હતી. ગામડામાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સંચાલક પ્રવીણ કુગસિયાએ તાલીમાર્થી યુવતીને પ્રેમનાં મોહપાશમાં ફસાવી પોતાની હવસ સંતોષતો હતો.
ગ્રામીણ વિસ્તારની યુવતીને પ્રેમજાળમાં ફસાવી ડિફેન્સમાં ભરતીમાં પાસ કરાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. સંચાલક યુવતીના મોબાઈલમાં ફોટા પાડી બ્લેકમેલ કરતો હતો. આબુ હાઇવેની હોટલોમાં અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. યુવતીએ પિતાને વાત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પાલનપુર પૂર્વ પોલીસ મથકે પ્રવીણ કુગશિયા સામે ફરિયાદ નોંધાતા આરોપી સામે અગાઉ પણ પોલીસ ચોપડે અનેક ગુનાઓ નોંધાયાનો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે નરાધમ પ્રવીણને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.