બનાસકાંઠામાં ઝડપાયેલ હાઇપ્રોફાઇલ જુગારધામમાં આખરે ત્રીજો દિવસે ફરિયાદ નોંધાઈ છે. નવાબી નગરી પાલનપુરની જ્યોર્જ ફિફ્થ ક્લબમાંથી પૂર્વ ક્રિકેટર સહિત ૪૦ નબીરાઓને ગાંધીનગર વિજિલન્સની ટીમે જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે ૧૧.૨૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુરની જ્યોર્જ ફિફ્થ ક્લબમાં ત્રણ દિવસ અગાઉ ગાંધીનગર વિજિલન્સની ટીમે મોડી સાંજે અચાનક દરોડા પાડતા હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું. વિજિલન્સ ની ટીમે તપાસ કરતા પૂર્વ ક્રિકેટર દિલીપ હડિયોલ સહિત ૪૦ શખ્સો તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
અહીં જુગારીયાઓ માટે જુગાર રમવા માટે ટેબલ ,ખુરશી, પંખા તેમજ ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરાઇ હતી. ટીમે ૪૦ જુગારીયાઓની અટકાયત કરી હતી. તેમજ રોકડ શહીદ ૧૧.૨૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે આ જુગારધામ માંથી ૬ શખ્સો ફરાર થઈ ગયા હતા જેથી પોલીસે ૪૬ લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસને આ ફરિયાદ દાખલ કરવામાં ત્રણ દિવસ જેટલો સમય લાગ્યો હતો અને ત્રીજો દિવસે ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે ગત જુલાઈ મહિનામાં પણ અમદાવાદમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલે તંબુ ચોકીથી ૧૦૦ મીટરના અંતરે આવેલા મોટા જુગારધામ પર દરોડો કર્યો છે. મનપસંદ જીમખાના પર સોમવાર સાંજે દરોડો કરવામાં આવ્યો હતો જે મંગળવાર સાંજ સુધી ચાલ્યો હતો. દરોડા દરમિયાન ૧૮૦ આરોપીઓ સાથે ૧૦.૯૯ લાખ રૂપિયા અને ૧૫ ટુ-વ્હીલર અને ૧૫ કારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
અહીં કસીનોની જેમ આઠ બિલ્ડિંગ જુગારધામ ચલાવનાર ગોવિંદ પટેલ ઉર્ફે ગામા સાથે આઇપીએસ અધિકારીનો બાતમીદાર અલતાફ બાસી પણ ઝડપાયો છે. સાથે જ રેડમાં ગયેલી પોલીસ પણ અહીં બિલ્ડિંગમાં નિવૃત આઇપીએસ અધિકારીઓના ફોટો જોઈને ચોકી ઉઠી હતી.