વડનગરનો એક કિસ્સો માતપિતાને ચેતવણી સમાન છે. હાલ થોડા સમયથી ઇન્સ્ટાગ્રામ પર વાતચીત બાદ પ્રેમ થયા બાદ તરછોડવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે વડનગરની કિશોરી સાથે પણ કાંઇક આવું જ થયુ છે. વડનગરની એક કિશોરીને ઇન્સ્ટાગ્રામ ઉપર પાલનપુરના યુવક સાથે વાતો કર્યા બાદ પ્રેમ થયો હતો. કિશોરી ૨૮ વર્ષના યુવાન સાથે ફરવા લાગી હતી. જે બાદ તેને ગર્ભ રહી ગયાની જાણ થતા એક સંતાનના પિતાએ કિશોરીને તરછોડી દીધી હતી. આ અંગેની જાણ થતા તેના માતા પિતાએ પણ કિશોરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ તેણે બનાસકાંઠા ૧૮૧ અભયમની મદદ લીધી હતી.આ લાલબત્તી સમાન કિસ્સા અંગે બનાસકાંઠા ૧૮૧ અભયમના કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ આ આખી વાત જણાવી હતી. તેમણે કહ્યુ કે, વડનગરની કિશોરીને પાલનપુરના ૨૮ વર્ષના યુવક સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક થયો હતો. બંને વચ્ચે મેસેજમાં વાતો થતી હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમ પ્રાંગર્યો હતો. યુવક સગીરાને વારંવાર પાલનપુર બોલાવતો હતો. જે બાદ બંને જણાં ફરવા જતાં હતા. આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સબંધ પણ બંધાયો હતો. જેમા કિશોરીને ગર્ભ રહી ગયો હતો. જેથી કિશોરીએ લગ્ન કરવાનું દબાણ કર્યુ હતુ.લગ્નનું દબાણ કરતા જ યુવકે પોતાની હકીકત જણાવી હતી. યુવકે જણાવ્યુ હતુ કે, પોતે પરિણીત અને એક સંતાનનો પિતા છે. જાકે, આ સાંભળીને કિશોરીના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. યુવકે કિશોરીને તરછોડી દીધી હતી. જે બાદ કિશોરીએ બનાસકાંઠા ૧૮૧ અભયમ સાથે સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે કિશોરીને કાયદાકીય સલાહ આપીને પાલનપુરમાં સુરક્ષિત સ્થળે ખસેડી હતી.આ કિશોરી ગર્ભવતી છે તે અંગેની જાણ થતા તેના માતાપિતાએ પણ ઘરમાંથી કાઢી મૂકી હતી. કિશોરીએ પ્રેમી સાથે જ રહેવાની જીદ કરી હતી. પરંતુ તે સગીર હોવાને કારણે તેને સુરક્ષિત સ્થળે ખસેડી દીધી છે.