સમગ્ર રાજયમાં મેઘરાજનું આગમન થઈ ચુકયુ છે ત્યારે બગસરામાં જ તળ ઉંચા આવે તેવો વરસાદ ન થતા શહેરમાં છેલ્લાં ર૦ દિવસથી પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. પાણીકાપથી શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે અને ફરી એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બગસરા નગરપાલિકાએ આ વર્ષે પાણીવેરામાં પ૦%નો વધારો ઝીંકી દીધો હતો. પાણીવેરો વધાર્યા બાદ નગરપાલિકાએ એકાંતરા પાણી આપવાને બદલે હવે ત્રણ દિવસે પાણી વિતરણ કરી નાખતા શહેરીજનોમાં પાલિકાની નીતિ સામે રોષ ફેલાયો છે. આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરને દૈનિક ર૦ લાખ લીટર પાણીની ઘટ પડે છે. પાંચ કૂવા, ર૦ મોટર સતત ર૪ કલાક ચાલુ રહે છે. પરંતુ નર્મદાનું પાણી બંધ થતા લોકોની મુશ્કેલી પડી રહી છે. પાણીની ઘટના કારણે છેવાડા વિસ્તારોમાં પાણી પહોંચી શકતુ નથી. જેથી શહેરીજનો દ્રારા ફરી એકાંતરા પાણી મળે અથવા તો વેરો ઘટાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.










































