(૧)પાણીપુરીની શોધ કોણે કરી હશે ?
જીગર આહીર (દાત્રાણા- પાટણ)
કોઈક કુંવારાએ કરી હોવી જોઈએ!
(૨) ઘેર મહેમાન બહુ આવે છે. શું કરવું?
દિયા પટેલ (વડોદરા)
વીમાના એજન્ટ બની જાઓ.
(૩) દોડવું ન હોય અને ઢાળ મળે તો શું કરવું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
જરૂર હોય એને ઢાળ દાનમાં આપી દો. એનાથી તમે પાનવાળાને બદલે દાનવાળા તરીકે ઓળખાશો.
(૪) મમરા પોલા અને દાળિયા નક્કર.. આમ કેમ?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
સાંજે ભેળ ખાઈને ચલાવવાનું લાગે છે!
(૫) ભૂત આપણને બીવડાવવા જ કેમ આવે છે? વાતો કરવા કેમ નહી?
શંભુ ખાંટ ’અનિકેત’ (પાટ્યો અરવલ્લી)
એ વાતો કરવા જ આવે છે પણ તમે બોલી શકશો?!
(૬) એસી ચાલુ હોય ત્યારે પંખો ચાલુ રખાય?
રમાબેન પટેલ (અમદાવાદ)
ના પણ પંખો ચાલુ હોય ત્યારે એસી ચાલુ રાખી શકાય. (પરસેવો વળી ગયોને?!).
(૭) ટીવીમાં દેખાવા શું કરવું પડે?
નીરવ ડણાંક (અમરેલી)
પહેલા સીસીટીવીમાં દેખાવું પડે!
(૮) ભેંસ શબ્દ સાચો કે ભેંશ?
દર્શન પટેલ (વડોદરા)
આ માથાકૂટમાં પડવા કરતાં એને બફેલો કહીને જ બોલાવવા માંડો. અંગ્રેજી ભેંસોના આશીર્વાદ મળશે.
(૯) અકલ બડી કે ભેંસ?
વૃષભ પટોળિયા (સુરત)
ભેંસનો જન્મતારીખનો દાખલો મોકલો.
(૧૦) કુદરતે રાત બનાવી ના હોત તો ?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
તો યુધ્ધમાં બ્લેક આઉટ (અંધારપટ) કેમ કરત?
(૧૧) પ્રશ્ન ઓછા શબ્દોમાં પૂછવામાં મગજને બહુ કષ્ટ પડે છે.
કનુભાઈ પરમાર (દામનગર)
તમતમારે લાંબો પ્રશ્ન પૂછો. હું એ પ્રશ્નમાંથી વધારાના શબ્દો કાઢી એનો જવાબ બનાવી નાખીશ.
(૧૨) તિલક કરતાં ત્રેપન ગયાં જપમાળાનાં તો નાકા ગયા તો પછી હાથની આંગળીઓનું શું થયું હશે.?
ધોરાજીયા ઘનશ્યામ એન (સાજણટીંબા)
વાહ, તમને રહી રહીને બ્રહ્મજ્ઞાન આવ્યું ખરું અખો રાજી થશે!
(૧૩) આઈપીએલમાં પરિણામ પછી કેપ્ટન સાથે સવાલ જવાબ કરવા તમને મોકલ્યા હોય
તો ?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
અમ્પાયરને પણ દાંત આવી જાય.
(૧૪) મારું મન ક્યાંય ચોંટતું નથી. શું કરવું?
જય દવે (ભાવનગર)
ઓપરેશન ગુંદર.
(૧૫) વોટ્‌સેપિયા સૈનિકો ખૂબ લડ્‌યા. હવે ક્યારે બંધ થશે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ડેટા ખૂટી જશે ત્યારે.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..