અમરેલી શહેરની આશરે બે લાખની વસ્તી માટે રોજ ૨૦ એમ.એલ.ડી. પાણીની જરૂરિયાત છે. જેને લઈ મહી પરીએજ યોજના, સ્થાનિક સ્ત્રોત એવા અમરેલી નજીક આવેલ ઠેબી ડેમ તથા વરૂડી વોટરવર્ક્સમાંથી ૨૦ એમ.એલ.ડી. પાણીનો જથ્થો હાલમાં મળી રહે છે. આ અંગે અમરેલી પાલિકાના વોટરવર્ક્સના જવાબદાર અધિકારી ચિરાગ ગજેરાએ અમારા પ્રતિનિધિ મિલાપ રૂપારેલ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમરેલીના હીરકબાગ ખાતે નવી બનાવાયેલ ઓવરટેંક શરૂ કરવામાં આવતાં અમરેલીના માણેકપરા-બી, માણેકપરા-સી, સુખનાથપરા, સરદારનગર, બટારવાડી તથા કથીરીયાપરા જેવા વિસ્તારોમાં આ હીરકબાગ ખાતેથી પાણી વિતરણ કરવામાં આવે છે. અને આ તમામ વિસ્તારોમાં એક બે દિવસોમાં દરરોજ પાણી વિતરણ કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે.









































