રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ સર્જાયો છે. ઠેર-ઠેર ઉત્સુકતા સાથે સરપંચ અને સભ્ય તરીકે મેદાને ઉતરવા ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરી છે. રાજ્યમાં અમૂક ગામોમાં ગ્રામજનોના સહકારથી ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી બિનહરિફ થતી હોય છે. ત્યારે ગઢડા તાલુકાના પાડાપાણ ગામે ગ્રામ પંચાયતની સ્થાપના કરવામાં આવી ત્યારથી આજસુધી ક્યારેય ચૂંટણી જંગ ખેલાયો નથી અને ગામના લોકો દ્વારા બિનહરિફ સરપંચની વરણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ પાડાપાણ ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરિફ થઈ છે અને મહિલા પેનલની રચના કરવામાં આવી છે. જેમાં સરપંચ તરીકે મધુબેન જસકુભાઈ બાખલકીયા અને ઉપસરપંચ તરીકે રંજનબેન શંભુભાઈ પાંચાણીની બિનહરિફ નિમણૂંક કરવામાં આવી છે. ગામમાં થઈ રહેલા સારા એવા વિકાસના કામો અને સંતોષતા અનુભવી ગામની જનતાના સાથ સહકારથી આ પેનલ બિનહરિફ થતા પંચાયત બોડીએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.