નવરાત્રિમા ગરબા રમવા જતા હોવ તો થઇ જજા સાવધાન… હાર્ટ એટેક હવે જીવલેણ બનીને નવરાત્રિમાં ત્રાટક્યો છે. નવરાત્રિમાં અનેક લોકોને હાર્ટ એટેકના કિસ્સા બન્યા છે. ત્યારે એક ગુજરાતી યુવકનું વિદેશી ધરતી પર ગરબા રમતા રમતા મોત નિપજ્યું છે. સાબરકાંઠાના યુવકનું લંડનમાં મોત નિપજ્યું છે.
સાબરકાંઠા જિલ્લાના એક યુવાનનું વિદેશમાં મોત નિપજ્યું છે. તલોદ તાલુકાના ગોરા આજણા ગામના યુવકનું લંડનમાં હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ગરબા રમતા વખતે જયેશ કનુભાઈ પટેલ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. જયેશ પટેલ લંડનના હેરો શહેરમાં રહીને પીઝા સેન્ટર પર કામ કરતો હતો. ત્યારે નવરાત્રિ દરમિયાન ગરબા રમતા રમતા તે ઢળી પડ્યો હતો.
ગરબા રમતા પહેલા સ્વાસ્થ્ય વિશે પણ ધ્યાન રાખવું જરૂરી છે. ડોક્ટર્સ એકધાર્યા ગરબા રમવાથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. કારણ કે જો આખી રાત જરાય આરામ કર્યા વગર ગરબા રમવામાં આવે તો શરીરના મહત્વના અવયવો પર તેની ટૂંકા કે લાંબા ગાળાની અસર થઈ શકે છે. ઓર્ગન ફેલ્યોરની શક્યતા રહે છે.
અત્રે જણાવવાનું કે ગઈ વખતે નવરાત્રી દરમિયાન ગરબા રમતા રમતા કેટલાક યુવાઓને હાર્ટ એટેકની ઘટનાઓ જાવા મળી હતી. ડોક્ટર્સનું કહેવું છે કે સતત બ્રેક લીધા વગર ગરબા રમવાથી શરીરના જે મહત્વના અવયવો છે જેમને અસર થઈ શકે છે. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ જો ૨૦-૨૫ મિનિટ સુધી ગરબા રમીએ અને ત્યારબાદ થોડો એટલે કે ૧૦થી ૧૫ મિનિટનો બ્રેક લેવો જોઈએ. આ સાથે પૂરતી ઊંઘ પણ જરૂરી છે નહીં તો માથાનો દુખાવો થઈ શકે. આખી રાત ગરબા રમવાથી બીજા દિવસે શાળા કોલેજામાં જતા વિદ્યાર્થીઓને તથા ઓફિસોમાં કામ કરતા લોકોને પણ સમસ્યા થવાની શક્યતા રહે છે.
જે લોકો પહેલેથી ડાયાબિટીસ, હાર્ટ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડાતા હોય તેમણે તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આવી બીમારીથી પીડાતા લોકોએ પોતાના ઈસીજી, પલ્સ રિપોર્ટ સહિતના કેટલાક મહત્વના ટેસ્ટ ડોક્ટરની સલાહ મુજબ કરાવી લેવા જોઈએ. તેમણે પોતાની ગોળીઓ પણ બરાબર લેવી જોઈએ. નોંધનીય છે કે કોરોના વાયરસની મહામારી આવ્યા બાદ હાર્ટની સમસ્યાઓમાં વધારો થયો છે. સતત ગરબા રમવામાં આવે તો આવી સ્થિતિમાં ધબકારા વધવાની સમસ્યા પણ જોવા મળે છે