twitter.com

દેશની રાજધાની દિલ્હી કોરોના વાયરસનો માર ઝેલી ચૂકી છે અને અહીં વાયુ પ્રદૂષણ પણ ખતરનાક સ્તર પર પહોંચી ચૂક્યું છે. પરિસ્થિતિ એવી છે કે, દિલ્હીમાં શાળા અને ઓફિસો બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. સાથે જ માર્ગો પર વાહનોની સંખ્યા ઓછી કરવાની તૈયારી ચાલી રહી છે પરંતુ, આ બધા પડકારો વચ્ચે દિલ્હીમાં ડેંગ્યૂ એક નવો પડકાર બનીને ઊભરી રહ્યું છે જે કે સરકાર સાથે સાથે સામાન્ય જનતા માટે પણ ચિંતાનો વિષય છે.
દિલ્હીમાં હાલના સમયમાં ડેંગ્યૂ કોરોના મહામારીથી પણ મોટી પરેશાની બનીને ઊભરી રહી છે. દિલ્હીમાં છેલ્લા એક અઠવાડિયામાં ડેંગ્યૂના કુલ ૧૮૫૧ કેસ સામે આવી ચુક્યા છે. સોમવારે જાહેર કરાયેલા ડેંગ્યૂના આંકડાઓ મુજબ, દિલ્હીમાં અત્યારસુધી ૭૧૨૮ કેસ સામે આવી ચુક્યા છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટ મુજબ, છેલ્લા ૬ વર્ષમાં અત્યાર સુધી સૌથી વધારે કેસ આ વર્ષે સામે આવ્યા છે. આ પહેલા વર્ષ ૨૦૧૬માં આ મહિના સુધી કુલ ૪૪૩૧ કેસ સામે આવ્યા હતા.
તો વર્ષ ૨૦૧૭માં આ આંકડો ૪૭૨૬, વર્ષ ૨૦૧૮માં ૨૭૯૮, વર્ષ ૨૦૧૯માં ૨૦૩૬ અને વર્ષ ૨૦૨૦માં ૧૦૭૨ પર હતો પરંતુ, આ વખતે કેસોએ ગત બધા આંકડાઓનો રેકોર્ડ તોડી દીધા છે. આ વર્ષે ડેંગ્યૂથી અત્યારસુધી ૯ દર્દીઓના મોત નોંધાઈ ચૂક્યા છે. દિલ્હીમાં ડેંગ્યૂથી મોતનો આંકડો પણ વર્ષ ૨૦૧૭ બાદ સૌથી મોટો છે. આ પહેલા વર્ષ ૨૦૧૭માં ડેંગ્યૂથી મોત થવાનો આંકડો ૧૦ હતો. દિલ્હીમાં ડેંગ્યૂથી પહેલું મોત ૧૮ ઓક્ટોબરના રોજ નોંધાયું હતું.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટ મુજબ, દિલ્હીમાં અત્યારસુધી મલેરિયાના ૧૬૭ અને ચિકનગુનિયાના ૮૯ કેસ સામે આવી ચુક્યા છે. મલેરિયા, ડેંગ્યૂ અને ચિકનગુનિયામાં સખત તાવ આવે છે. ડેંગ્યૂના કેસ વધવા વચ્ચે ત્રણેય મહાનગર પાલિકાએ ફોગિંગ અને છંટકાવ ઝડપી કરી દીધો છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનો તરફથી સતત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મચ્છરજન્ય બીમારીઓને પહોંચી વળવા માટે કીટકનાશક અને દવાઓની કોઈ અછત નથી. વર્ષ ૨૦૧૫માં શહેરમાં ડેંગ્યૂનો વ્યાપક પ્રકોપ હતો અને કુલ કેસ માત્ર ઓક્ટોબરમાં જ ૧૦,૬૦૦ને પાર જતા રહ્યા હતા. તે વર્ષ ૧૯૯૬ બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં વેક્ટર જન્ય બીમારીનો સૌથી ખરાબ સમય હતો.