જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ૬ મે અને ૭ મેની રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ૯ આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કરીને ભારે ખળભળાટ મચાવ્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી ગતિવિધિને ધ્યાનમાં રાખીને શુક્રવારે (૯ મે) રાત્રે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક ભાગોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, કચ્છમાં જિલ્લાવ્યાપી બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો. જ્યારે ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક સરહદી વિસ્તારોમાં વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેના સરહદી વિસ્તારમાં કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ૮ થી ૧૦ ગામોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામ અને તેની આસપાસના ૨૦ ગામોમાં પણ અંધારપટ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે એકસ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સરહદ પર પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં આગામી આદેશો સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના સુઇગામ અને વાવ તાલુકાના તમામ ગામોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.

કચ્છ કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કહ્યું કે, તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઈ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં.

ભારત-પાકિસ્તાન સરહદે સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. કચ્છની સરહદે પાકિસ્તાનનો વધુ એક ડ્રોન હુમલો ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. અબડાસાના નાની ધ્રુફી ગામ પાસે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. આજે સવારના ૬ વાગ્યા આસપાસ ડ્રોન જોવા મળ્યુ હતું, જેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પડાયું હતું. હાલની સંવેદનશીલ સ્થિતિને જાતા કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને કોઇ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઇ છે,સાથે જ કોઇપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા પણ કહેવાયું છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડાઓમાં બ્લેક આઉટ જાહેર કરાયું છે. વાવ અને સુઇગામ બોર્ડર વિસ્તારના ગામડાઓમાં બ્લેક આઉટ જાહેર કરાયું છે. જિલ્લાના ૨૪ ગામોમાં તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે, અને તમામ નાગરીકોને અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. જે ૨૪ ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરાયું છે તેમાં વાવ તાલુકાના ૧૨ ગામ અને સૂઇગામ તાલુકાના ૧૨ ગામોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન છોડવામાં આવી રહ્યાં છે, જાકે ભારતીય સુરક્ષા પ્રણાલી પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ તોડી પાડે છે. આ સંજાગોમાં સુરક્ષાના ભાગરૂપે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામમા બ્લેક આઉટ જાહેર કરાયુ છે. મહત્વનું છે કે, બનાસકાંઠામાં આવેલું બોર્ડર પરનું નડાબેટ ટુરીઝમ પ્રવાસીઓ માટે બંધ કરાયું છે. જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી નડાબેટ બંધ કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતીમાં જણાવાયું હતું કે, પાટણની સરહદે આવેલા સાંતલપુર તાલુકાના કેટલાક ગામોમાં પણ વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. ગુરુવારે પણ આ ત્રણ જિલ્લાઓમાં લગભગ સાત કલાક માટે આવી જ રીતે બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો.