ગુજરાતમાં રખડતા ઢોરોનો રાજ ચાલે છે એવુ અહીંના રસ્તાઓ જાઈને કહી શકાય. ગુજરાતના રસ્તાઓ પર હવે માણસો ઓછા અને ઢોરો વધુ જોવા મળે છે. ત્યારે આ ઢોરોનો આતંક હવે વધીને લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ગુજરાતના અન્ય શહેરોની જેમ પાટણ શહેરમાં આખલાઓનો આતંક યથાવત છે.મોડી રાત્રે બે આખલાઓએ પાટણના રસ્તા પર એવો આતંક મચાવ્યો કે, તેમણે રોડ પર પાર્ક કરેલા ૧૦ થી વધુ વાહનોનો કચ્ચરધાણ કાઢી નાંખ્યો હતો.
પાટણ શહેરના કોહિનુર સિનેમા પાસે રસ્તા પર બે માતેલા સાંઢ બાખડયા હતા. આ લડાઈ લાંબા સમય સુધી ચાલી હતી. આખલાની લડાઈ માં ૧૦થી વધુ વાહનો અને ખાણીપીણીની લારીઓને નુકસાન પહોંચ્યુ હતું. એક જ રાતમાં માતેલા સાંઢે પાર્ક કરાયેલા વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં પાટણ શહેરમાં આખલાના આતંકથી ૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આખલાના આતંકથી એક વૃદ્ધને જીવ ગુમાવવો પડ્યો છે. છતા પાલિકા તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે. તંત્ર દ્વારા રખડતા ઢોરોને પકડવાની કોઈ કામગીરી કરવામાં આવે છે.