ગુજરાતમાં મેઘરાજોની પધરામણી થઇ ગઇ છે ત્યારે ખેડૂતોમાં પણ આનંદ વ્યાપી ગયો છે. ગઇકાલે અમદાવાદ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘો મહેરબાન થયો હતો જેથી લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. ત્યાં જ આજે પાટણના રાધનપુરમાં પ્રથમ વરસાદે તારાજીના દ્રષ્યો સામે આવ્યા છે. આજે પાટણ સહિત આજુબાજુના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે દુકાનોમાં પાણી ઘુસ્યા હતા તો માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રહેલ જણસ પલળી ગયા હતા.
પાટણમાં પ્રથમ વરસાદી ઝાપટાથી શહેરની બજોરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રાધનપુરમાં મુખ્યમાર્ગ આવેલ બજોરની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યાં જ એક જ વરસાદી ઝાપટામાં રાધનપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ જણસ પલળતા વેપારી તેમજ ખેડૂતોને ભારે નુકશાન થયું છે. રાધનપુર શહેરમાં પ્રથમ વરસાદે પાલિકાની પ્રિમોન્સૂનની પોલ ખોલી નાંખી છે. ત્યાં જ બીજી તરફ પાટણના કેટલાક ગામડાઓમાં મેઘરાજો મન મૂકીને વરસ્યા હતા. જેના પગલે ખેતરોમાં નવા નીર આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. સાથે જ અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી.
બનાસકાંઠાના કાંકરેજના રાણકપુર, ભલગામ, ઉણ, થરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન શિહોરી બજોર અને થરા બજોરમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. ધંધા-રોજગાર કરતા દુકાનદારો રેગડી ધારકોને ભારે વરસાદના પગલે નુકસાન થયું છે. ત્યાં જ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના બોર્ડર વિસ્તારો ગામડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા જિલ્લામાં કાંકરેજ, ભાભર, દિયોદર સહિત ધાનેરા તાલુકામાં જનજીવન ઠપ થયું છે.