પાટણ તાલુકાનાં સુજનીપુર એક મકાનમાંથી તા. ૧૪ રાત્રે કોઇ તસ્કરોએ પ્રવેશ કરીને અંદર તાળાં તોડી લાકડાનાં કબાટમાં મુકેલા રૂ. ૨૦ હજાર રોકડા, તથા રૂ. ૧ લાખ ૭૨ હજાર ૮૦૦ની કિંમતના સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂ. ૧ લાખ ૯૨ હજાર ૮૦૦ની ચોરી કરી ગયા હતાં. જે અંગે ફરિયાદ નોંધાઇ છે.
પાટણનાં સુજનીપુર ગામે રહેતાં મોંઘજી ઉમેદભાઇ ચૌધરી તથા તેમનાં પરિવારજનો મંગળવારની રાત્રે દશ વાગે બફારાનાં કારણે અને ઘર સાંકડુ હોવાથી ઘરથી થોડે દૂર વાડામાં સુવા ગયા હતા. તેઓએ ઘરને તાળું માર્યું હતું. જ્યારે વહેલી પરોઢે ૪ વાગે ઘરનાં સભ્ય ભેંસ દોહવા ઉઠતાં તેમણે ઘરે જઇને જાતાં તાળા તૂટેલા હોવાનું જણાતાં તેઓ ઘેર દોડી આવ્યા હતા અને ઘરનો દરવાજા ખુલ્લો જાતાં ઘરમાં જઇને જાયું તો તિજારી તેમજ લાકડાનાં કબાટ ખુલ્લા પડ્યા હતા.
કબાટનાં ચોરખાનામાંથી ઘરની મહિલાને તેમનાં બાપદાદાએ આપેલા સોના-ચાંદીનાં
દાગીના જેમાં સોનાની મગમાળા, સોનાની બુટ્ટી, વીંટી, ચાંદીની ચુડી, પગની સેરો, સોનાનો દોરો, વિગેરે મળી કુલ રૂ. ૧ લાખ ૭૨ હજાર ૮૦૦નાં દાગીના તથા રૂ. ૨૦ હજારની રોકડ મળી કુલ રૂ. ૧ લાખ ૯૨ હજાર ૮૦૦ની મતાની ચોરી કરી ગયા હતા. જે અંગે મોઘજીભાઇએ સરસ્વતી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.