આ વર્ષે ભારે વરસાદ અને કરા પડવાથી ગુજરાતમાં ખેડૂતો ખૂબ જ ખરાબ સ્થિતિમાં મુકાયા છે. પાકને વ્યાપક નુકસાનને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે, પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગુજરાતના ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફ કરવાની માંગ કરી છે.મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, “આ વર્ષે ભારે વરસાદ અને કરા પડવાથી ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. વ્યાપક નુકસાનને કારણે, ગુજરાતના ખેડૂતો ગરીબ બની ગયા છે અને બેંક લોન ચૂકવી શકતા નથી.”તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, એક જનપ્રતિનિધિ તરીકે, હું માનું છું કે આપણે ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી જાઈએ.” કિરીટ પટેલે એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમણે અગાઉ વડા પ્રધાન અને મુખ્યમંત્રીને  નુકસાનનો તાત્કાલિક સર્વે કરવા અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા વિનંતી કરી હતી. પત્રમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “જા સરકાર ખેડૂતોની લોન માફ કરે છે, તો અમે, ધારાસભ્ય તરીકે, આ લોન માફી માટે અમારા પગાર દાન કરવા તૈયાર છીએ.”સરકારની નીતિઓ પર કટાક્ષ કરતા પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “હાલમાં, ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે, અને સરકાર મોટા ઉદ્યોગપતિઓને વિવિધ છૂટછાટો આપે છે.” ભૂતકાળને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, અગાઉ કોંગ્રેસ સરકારો ખેડૂતોના દેવા માફ કરતી હતી.ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલ પહેલા સુરત-વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતો માટે લોન માફીની અપીલ કરી હતી. આમ, ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ફરી એકવાર રાજકીય સ્તરે ગરમાયો છે.