લાહોરમાં રેલવે સ્ટેશનની પાસે દહીં ખરીદવા માટે ટ્રેન રોકવા બદલ પાકિસ્તાનની ટ્રેનના ડ્રાઇવર અને તેમના આસિસ્ટન્ટને નોકરીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમ મીડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયા પછી પાકિસ્તાનના રેલવે પ્રધાન આઝમ ખાન સ્વાતીએ ટ્રેનના ડ્રાઇવર અને તેમના આસિસ્ટન્ટને સસ્પેન્ડ કર્યા હતાં. વાઇરલ થયેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે દંહી ખરીદવા માટે ડ્રાઇવરે કાહના કાચા રેલવે સ્ટેશન પાસે ટ્રેન રોકી હતી તેમ પાકિસ્તાનના અગ્રણી અખબારોમાં જણાવવામાં આવ્યું છે.
આ વીડિયો વાઇરલ થયા પછી પાકિસ્તાનના રેલવે વિભાગને અનેક ટીકાઓનો સામનો કરવો પડયો હતો. અકસ્માત, યાત્રીઓની સલામતી અને આવકમાં ઘટાડાને કારણે અગાઉથી જ પાકિસ્તાનનું રેલવે વિભાગ ટીકાઓનો સામનો કરી રહ્યું છે.
રેલવે પ્રધાને ટ્રેનના ડ્રાઇવર રાણા મોહંમદ શેહઝાદ અને તેમના આસિસ્ટન્ટ ઇફતિખાર હુસેનને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. પ્રધાને એક નિવેદનમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે હું ભવિષ્યમાં આવા પ્રકારની ઘટનાઓ સહન કરી લઇશ નહીં અને દેશની સંપત્તિનો અંગત વપરાશ કરવાની પરવાનગી આપીશ નહીં.