ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, કેન્દ્ર સરકારે ૮ મેના રોજ સવારે ૧૧ વાગ્યે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ સહિતના વરિષ્ઠ પ્રધાનો સરકારનું પ્રતિનિધિત્વ કરશે. બેઠકનો એજન્ડા વિપક્ષી નેતાઓને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા બાબતો પર ભવિષ્યની કાર્યવાહીની ચર્ચા કરવા પર કેન્દ્રિત છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર માહિતી શેર કરતા, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, “સરકારે ૮ મે, ૨૦૨૫ ના રોજ સવારે ૧૧ વાગ્યે સમિતિ ખંડઃજી-૦૭૪, સંસદ પુસ્તકાલય ભવન, સંસદ સંકુલ, નવી દિલ્હી ખાતે તમામ પક્ષના નેતાઓની બેઠક બોલાવી છે. તે જ સમયે, બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપી અને ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી. કેબિનેટ મંત્રીઓએ આ સફળ અભિયાન માટે પીએમ મોદીને અભિનંદન આપ્યા અને તેમના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી આખી રાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને લશ્કરી કમાન્ડરો સાથે સંપર્કમાં રહ્યા જેથી ખાતરી કરી શકાય કે યોજના મુજબ ઓપરેશન સરળતાથી ચાલે.
દરમિયાન, ભારતીય સેના, વાયુસેના અને વિદેશ મંત્રાલયે ‘ઓપરેશન સિંદૂર’ અંગે સંયુક્ત પ્રેસ બ્રીફિંગ યોજી હતી, જેમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ ભાગ લીધો હતો. લશ્કરી અધિકારીઓએ આતંકવાદીઓના ઠેકાણાઓ પર થયેલા હુમલાઓની કલીપ્સ પણ બતાવી.
કર્નલ સોફિયા કુરેશીએ આ ઓપરેશન વિશે જણાવ્યું હતું કે, “પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોને ન્યાય અપાવવા માટે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યું હતું. ૯ આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદી માળખાકીય સુવિધાઓ બનાવવામાં આવી રહી હતી, જે પાકિસ્તાન અને પીઓકે બંનેમાં ફેલાયેલી છે. પીઓકેમાં પહેલું લક્ષ્ય મુઝફ્ફરાબાદમાં સવાઈ નાલા કેમ્પ હતું, જે નિયંત્રણ રેખાથી ૩૦ કિલોમીટર દૂર સ્થિત છે. તે લશ્કર-એ-તૈયબાનું તાલીમ કેન્દ્ર હતું. ૨૦ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સોનમર્ગ, ૨૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ગુલમર્ગ અને ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહેલગામમાં થયેલા હુમલામાં સામેલ આતંકવાદીઓએ અહીંથી તાલીમ લીધી હતી.”
વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે, “આ હુમલો રાત્રે ૧ઃ૦૫ થી ૧ઃ૩૦ વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યો હતો. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી અને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો. નાગરિક માળખાને નુકસાન ટાળવા અને કોઈપણ નાગરિક જીવન અને સંપત્તિને બચાવવા માટે સ્થાનો પસંદ કરવામાં આવ્યા હતા.”