પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધીમાં પંજાબના મલેરકોટલા અને હરિયાણાથી કુલ ૬ પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરાઈ ચૂકી છે. જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત દાનિશ નામના અધિકારીના સંપર્કમાં હતી અને દાનિશે તેને પાકિસ્તાન મોકલી હતી. જ્યોતિ મલ્હોત્રા પોતાની ટ્રાવેલ ચેનલ ચલાવે છે અને તે પાકિસ્તાન પણ ગઈ હતી અને અનેક ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનમાં શેર કરતી હતી.
જ્યોતિના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ત્યાંની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંબંધો બન્યા. મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૩માં જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા તેણે કમીશન દ્વારા વિઝા લઈને કરી હતી. આ દરમિયાન જ્યોતિની મુલાકાત પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ હતી. જેની સાથે પછી તેના ગાઢ સંબંધ બની ગયા. દાનિશના માધ્યમથી જ્યોતિની ઓળખ પાકિસ્તની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટ્સ સાથે કરાવવામાં આવી. જેમાં અલી અહેસાન અને શાકિર ઉર્ફે રાણા શહબાઝ સામેલ હતા.
જ્યોતિ આ એજન્ટ્સ સાથે વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવા એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ્સ દ્વારા સંપર્કમાં રહી હતી. તે માત્ર પાકિસ્તાનની ફેવરમાં સોશિયલ મીડિયા પર પોઝિટિવ છબી રજૂ કરતી હતી એટલું જ નહીં પરંતુ તેણે સંવેદનશીલ જાણકારીઓ પણ શેર કરી. જ્યોતિ એવા ૬ લોકોમાં સામેલ છે જેમને ગુપ્તચર એજન્સીઓની સૂચના બાદ ધરપકડ કરાઈ હતી. જ્યોતિને દાનિશ અને તેના સહયોગી અલી અહેસાનના માધ્યમથી પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીઓ સાથે મીટિંગ કરાવી હતી. જેમણે પાકિસ્તાનમાં તેના આવવા જવાના અને રહેવાની વ્યવસ્થા કરી હતી. તેણે એક પાકિસ્તાની ગુપ્તચર અધિકારી સાથે ગાઢ સંબંધ બનાવ્યા અને હાલમાં જ તેની સાથે ઈન્ડોનેશિયાના બાલી પણ ગઈ હતી. આરોપ છે કે જ્યોતિએ ભારતીય જગ્યાઓ સંબંધિત સંવેદનશીલ માહિતી શેર કરી અને દિલ્હીમાં રહેવા દરમિયાન પીએચસી હેન્ડલર દાનિશના સંપર્કમાં રહી. આ મામલે લેખિત કબૂલાતનામું નોંધાયું છે અને કેસ દાખલ થયો છે. ભારત સરકારે ૧૨ મે ૨૦૨૫ના રોજ દાનિશને પર્સોના નો ગ્રાટા જાહેર કરીને તેને દેશ છોડવાનો આદેશ આપી દીધો હતો. જ્યોતિ મલ્હોત્રા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૫૨ અને ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ ૧૯૨૩ની કલમો ૩, ૪, ૫ હેઠળ કેસ દાખલ થયો છે. હવે આ મામલાની તપાસ આર્થિક અપરાધ શાખા હિસારને સોંપવામાં આવ્યું છે.
જ્યોતિ મલ્હોત્રા હરિયાણાના હિસા જિલ્લાની છે. તેણે ફેસબુક પર આપેલી જાણકારીમાં હિસારને હોમટાઉન ગણાવ્યું છે. તેણે કુરુક્ષેત્ર યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. જ્યોતિ એક યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. જ્યોતિના ઈન્સ્ટાગ્રામ પર ૧૩૧ હજાર ફોલોઅર્સ છે. યુટ્યુબ પર જ્યોતિને ૩૭૭ હજારથી વધુ લોકો ફોલો કરે છે. જ્યોતિ ટ્રાવેલ બ્લોગ બનાવે છે.
જ્યોતિ પાકિસ્તાન ગઈ હતી. તે પાકિસ્તાન હાઈકમિશન ગઈ હતી. આ દરમિયાન તેની પાકિસ્તાનના અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત પણ થઈ હતી. તેણે તેની જાણકારી ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર પણ કરી હતી. જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાન સ્થિત ૫૦૦૦ વર્ષ જૂના મંદિરમાં પણ દર્શન કર્યા હતા. તેણે તેનો વીડિયો શેર કરતા લખ્યું હતું કે ૫૦૦૦ વર્ષ જૂના ઈતિહાસવાળા આ સૌથી મોટા હિન્દુ મંદિરમાં ભારતીય છોકરી…આંસુઓના આ પવિત્ર તળાવમાં સ્નાન કરો અને તમારા પાપ ધોવાઈ જશે! કટાસ રાજની અંતર આ તળવા વિશે હિન્દુઓની આ જ માન્યતા છે. એક બ્રાહ્મણ કથામાં કહેવાયું છે કે કટાસ રાજ મંદિરમાં તળાવ ભગવાન શિવ દ્વારા તેમની પત્ની સતીના મૃત્યુ બાદ વહાવેલા આંસુઓથી બન્યું હતું. એવું કહેવાય છે કે મંદિર પરિસરનું નામ સંસ્કૃત શબ્દ કટાક્ષ પરથી લેવાયું છે જેનો અર્થ થાય છે આંસુ ભરી આંખો. દરમિયાન, હરિયાણાના કૈથલના એક ગામના રહેવાસીની તાજેતરના ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન આર્મી અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સને માહિતી પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ દેવેન્દ્ર ધિલ્લોન (૨૫) તરીકે થઈ છે, જે મસ્તગઢ ચીકા ગામનો રહેવાસી છે. ડીએસપી કૈથલ વીરભાને જણાવ્યું હતું કે, “કૈથલ જિલ્લા પોલીસને ગુપ્ત માહિતી મળી હતી જેના આધારે અમારા ખાસ ડિટેક્ટીવ સ્ટાફે મસ્તગઢ ચીકા ગામના રહેવાસી નરવાલ સિંહના પુત્ર દેવેન્દ્રની ધરપકડ કરી હતી.” દેવેન્દ્રને કસ્ટડીમાં લીધા બાદ પોલીસે તેની પૂછપરછ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન દેવેન્દ્રએ પોલીસને જણાવ્યું કે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ ના સંપર્કમાં હતો. પાકિસ્તાનથી પાછા ફર્યા પછી, દેવેન્દ્રએ તેના મિત્રો સાથેની વાતચીતમાં દેશની પ્રશંસા કરી હોવાનું કહેવાય છે. તે પટિયાલાની ખાલસા કોલેજમાં એમએના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. એવું કહેવાય છે કે થોડા સમય પહેલા તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના સંપર્કમાં આવ્યો અને ભારત વિરુદ્ધ જાસૂસી કરવાનું શરૂ કર્યું. તેમનો પરિવાર મસ્તગઢ ગામમાં રહે છે અને ખેતી કરે છે. ઘરમાં તેના માતા-પિતા, દાદી, બહેન અને દેવેન્દ્ર પોતે રહે છે.