ટ્રેન હાઇજેકિંગ પછી, પાકિસ્તાનમાં સતત આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. પાકિસ્તાન ફરી એક નવા ધડાકાથી હચમચી ગયું છે. આ વિસ્ફોટમાં ૯૦ પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો પાકિસ્તાન મુસ્લીમ લીગ (નવાઝ) ના એક યુવા નેતા દ્વારા કરવામાં આવ્યો છે. રવિવારે અશાંત દક્ષિણપશ્ચિમ પાકિસ્તાનમાં આ વિસ્ફોટ થયો હતો, જ્યાં સુરક્ષા દળોને લઈ જતી બસ પાસે રસ્તાની બાજુમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. તે જ સમયે, એપીએ અહેવાલ આપ્યો છે કે ઓછામાં ઓછા પાંચ અધિકારીઓ માર્યા ગયા છે અને ૧૦ અન્ય ઘાયલ થયા છે.
સ્થાનિક પોલીસ વડા ઝફર ઝમાનાનીએ જણાવ્યું હતું કે આ હુમલો બલુચિસ્તાનના નૌશ્કી જિલ્લામાં થયો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટમાં નજીકમાં આવેલી બીજી બસને પણ ભારે નુકસાન થયું હતું. મૃતકો અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આ હુમલાની નિંદા કરી છે. કોઈએ તાત્કાલિક જવાબદારી સ્વીકારી નથી, પરંતુ શંકા પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મી પર આવે છે, જેણે થોડા દિવસો પહેલા એક ટ્રેન પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ ૪૦૦ લોકોને બંધક બનાવ્યા હતા અને ૨૬ લોકોની હત્યા કરી હતી.
બલુચિસ્તાન પોસ્ટે એવો પણ દાવો કર્યો છે કે આ હુમલામાં ૯૦ પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. આ દાવો બલુચિસ્તાને મ્ન્છ ને ટાંકીને કર્યો છે. ઉપરાંત, વિસ્ફોટ પછીની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે.
પાકિસ્તાનને આ વિસ્ફોટ પાછળ બલૂચ આર્મીનો હાથ હોવાની શંકા છે. તેલ અને ખનિજાથી સમૃદ્ધ બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો અને સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રાંત છે. વંશીય બલૂચ રહેવાસીઓ લાંબા સમયથી કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવતા આવ્યા છે – જે આરોપ ઇસ્લામાબાદ નકારે છે. બલૂચ લિબરેશન આર્મી કેન્દ્ર સરકાર પાસેથી સ્વતંત્રતાની માંગ કરી રહી છે.