પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી છે. જેને પગલે ગુજરાત એલર્ટ મોડ પર આવી ગયું છે. જેને પગલે આજે રાજ્યના ૧૮ જિલ્લાઓમાં મોકડ્રિલ યોજાઈ હતી. ગુજરાત સરહદી રાજ્ય હોય અને પાકિસ્તાન સાથે તણાવ વધવાના કારણે ગુજરાત પોલીસના તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આ વચ્ચે ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠક યોજવામાં આવી છે. જેમાં એર સ્ટ્રાઇક અને મોકડ્રિલ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત એર સ્ટ્રાઇક બદલ સેનાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં
સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ તો ભુજ, કેશોદ, કંડલા, જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. તો અમદાવાદ એરપોર્ટથી ઉડાનભરતી ભુજ, જામનગર અને રાજકોટ જતી-આવતી બધી ફ્લાઇટ્‌સ રદ કરી દેવાઈ છે. આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષાદળોએ ચેકિંગ પણ વધારી દીધુ છે.
અમદાવાદ એરપોર્ટે એડવાઇઝરી રીલિઝ કરી કહ્યું કે, એરસ્પેસ પ્રતિબંધો અને અમુક એરપોર્ટ્‌સ બંધ કરવાની ફ્લાઇટ ઓપરેશન્સ પર અસર પડી શકે, જેથી અમે તમામ પેસેન્જર્સને એરપોર્ટ જતા પહેલાં તેમનું લેટેસ્ટ ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવા અનુરોધ કરીએ છીએ.ઈન્ડીગોએ એકસ પર પોસ્ટ કર્યું છે કે, “બદલાતા હવાઈ ક્ષેત્રના વાતાવરણને કારણે, શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ અને ધર્મશાલા જતી અને આવતી અમારી ફ્લાઇટ્‌સ પ્રભાવિત થઈ છે.