ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ ઘટના બાદ તેઓ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી. વડાપ્રધાન મોદીની સિંદૂર યાત્રાને લઇને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લોકોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું. યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડોદરા સિંદૂર યાત્રા પૂરી કર્યા બાદ વડાપ્રધાન મોદી દાહોદમાં રૂ. ૨૪ હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને સભાને સંબોધી હતી. ત્યારબાદ હવે પીએમ મોદી ભુજ પહોંચ્યા  હતાં  જ્યાં તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે પીએમ મોદીએ કચ્છી ભાષામાં ભાષણની શરૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે ”કચ્છની પાવન ધરતી પર બિરાજમાન માતાના આશીર્વાદ આપણી બધી મનોકામનાઓ પૂરી કરે છે. માતાએ હંમેશા આ ધરતી પર કૃપા વરસાવી છે. સાથીઓ, મારો અને કચ્છનો નાતો જૂનો છે, તમારો પ્રેમ એટલો છે કે હું કચ્છ આવવાથી મારી જાતને રોકી શકતો નથી. જ્યારે હું રાજકારણમાં નહોતો, સત્તા સાથે કોઈ લેવાદેવા ન હતું ત્યારે પણ હું સતત કચ્છ આવતો હતો. મને ખૂણેખૂણે જવાનો મોકો મળ્યો.

અભાવો વચ્ચે પણ આત્મવિશ્વાસથી ભરપૂર કચ્છ લોકો હંમેશા મારા જીવનને દિશા આપતા રહ્યા છે. જે જૂની પેઢીના લોકો છે તે જાણે છે, વર્તમાન પેઢીને કદાચ ખબર નથી, આજે તો અહીંનું જીવન ખૂબ જ સરળ બની ગયું છે, પરંતુ ત્યારે સ્થિતિ કંઈક જુદી હતી. પાણી માટે સદીઓથી તરસતા કચ્છ પર મા નર્મદાએ કૃપા કરી. મારું સૌભાગ્ય છે કે સૂકી ભૂમિ પર પાણી પહોંચાડવાના કાર્યમાં નિમિત્ત બનવાનો તમે સૌએ મને અવસર આપ્યો. કચ્છમાં પાણી ન હતું, પરંતુ કચ્છના ખેડૂતો પાણીદાર હતા. કચ્છની પરંપરા, સંસ્કૃતિ અને વારસાનું પ્રતિક રણ ઉત્સવ દરેકનું મન મોહી લે છે. અદભૂત ક્રાફ્ટ બજાર હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પછી ખાણી-પીણીની પરંપરા, અહીંનો તમારો દરેક અનુભવ અવિસ્મરણીય બની જશે. તમે બધાને મારો આગ્રહ છે ક એકવાર પોતાના પરિવાર સાથે આ રણ ઉત્સવમાં જરૂર આવો. ”આજે કચ્છ વેપારનું કેન્દ્ર છે, હું જ્યારે કચ્છમાં વિકાસની ગતિ આપવા માટે આવું છું ત્યારે મને લાગે છે કે હું કંઇક વધુ કરીશ. મન અટકવાનું નામ લેતું નથી. એક સમય હતો ગુજરાતમાં ૫૦,૦૦૦  કરોડના કામ સંભળાતા ન હતા, પરંતુ એક જિલ્લામાં ૫૦ હજાર કરોડનું કામ થવા જઇ રહ્યું છે.”

“જ્યારે અહીં ભૂકંપ આવ્યો ત્યારે દુનિયાને લાગતું હતું કે હવે બધું ખતમ થઈ ગયું, હવે કંઈ થઈ શકે તેમ નથી અને કચ્છ તે ભૂકંપમાં મોતની ચાદર ઓઢીને સૂતું હતું. પરંતુ મેં ક્યારેય મારો વિશ્વાસ ગુમાવ્યો નહોતો. મારો વિશ્વાસ કચ્છી ખમીર પર હતો. મને વિશ્વાસ હતો કે કચ્છ આ સંકટને હરાવી દેશે, મારું કચ્છ ઊભું થઈ જશે અને તમે સૌએ બરાબર એવું જ કર્યું. આજે કચ્છ વેપાર, કારોબાર અને ટુરિઝમનું મોટું કેન્દ્ર છે. આવનારા સમયમાં કચ્છની આ ભૂમિકા વધુ મોટી થવાની છે.””આપણું કચ્છ હરિત ઊર્જાનું દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન એક નવા પ્રકારનું ઇંધણ છે. આવનારા સમયમાં કાર, બસ, સ્ટ્રીટ લાઇટ્‌સ… આ બધી ગ્રીન હાઇડ્રોજનથી ચાલવાની છે. કંડલા, દેશના ત્રણ ગ્રીન હાઇડ્રોજન કેન્દ્રોમાંથી એક છે.”

પીએમ મોદીએ કહ્યું કે ટૂરિઝમ લોકોને જોડે છે. ભારત ટૂરિઝમમાં વિશ્વાસ ધરાવે છે, પરંતુ પાકિસ્તાન ટેરરિઝમને ટૂરિઝમ માને છે, અને આ દુનિયા માટે ખતરો છે. તેમણે ફરી એકવાર દુશ્મન દેશ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતીયોનું લોહી વહેવડાવનારાઓને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. મેં સેનાને છૂટ આપી છે. ભારતીયો સામે આંખ ઉંચી કરનારા લોકોને છોડવામાં આવશે નહીં.

પીએમ મોદીએ કહ્યું, ‘આતંકવાદ સામે અમારી નીતિ શૂન્ય સહિષ્ણુતાની છે.’ ઓપરેશન સિંદૂરથી અમારી નીતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ છે. જે કોઈ આપણું લોહી વહેવડાવશે તેને પણ એવો જ જવાબ મળશે. તેમને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. ઓપરેશન સિંદૂર એ માનવતાને બચાવવા અને આતંકવાદનો અંત લાવવાનું મિશન છે. પાકિસ્તાન આતંકવાદ સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે જોવા માટે અમે ૧૫ દિવસ રાહ જોઈ, પણ કદાચ આતંકવાદ જ તેમની આજીવિકા છે. જ્યારે તેઓએ કંઈ કર્યું નહીં, ત્યારે મેં મારા સશસ્ત્ર દળોને છૂટ આપી દીધી. પીએમ મોદીએ કહ્યું, ‘ભારતના જવાબ પછી પાકિસ્તાન ગભરાઈ ગયું છે.’ તેમણે કચ્છ સહિત સરહદી વિસ્તારોમાં ડ્રોન મોકલ્યા. ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન, કચ્છની બહાદુર મહિલાઓએ ૭૨ કલાકમાં ભુજ રનવેનું સમારકામ કરીને પાકિસ્તાનના પ્રચારને હરાવ્યો હતો. તે સ્ત્રીઓ મારી પાસે આવી અને મને આશીર્વાદ આપ્યા. તેમણે મને સિંદૂરનો છોડ પણ ભેટમાં આપ્યો. તે પ્રધાનમંત્રી નિવાસસ્થાનમાં સ્થાપિત કરવામાં આવશે.