આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું મુખ્ય મથક, ‘મરકઝ તૈયબા’, ૭ મેના રોજ ભારતીય વાયુસેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ મિશન હેઠળ કરવામાં આવેલા હવાઈ હુમલામાં સંપૂર્ણપણે નાશ પામ્યું હતું, જે હવે ફરીથી બનાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા કાર્યવાહી કરી અને  પીઓકે અને પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડ્યા અને ૧૦૦ થી વધુ આતંકવાદીઓને માર્યા ગયા.સૂત્રોના જણાવ્યા અનુસાર, મુરીદકેમાં મરકઝ તૈયબા મુખ્યાલયને સંપૂર્ણપણે તોડી પાડવાનું કામ ૧૮ ઓગસ્ટથી શરૂ થયું હતું. હવે તેનું પુનર્નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.આ કાર્ય મરકઝ તૈયબાના ડિરેક્ટર મૌલાના અબુ ઝાર અને લશ્કર-એ-તૈયબાના મુખ્ય ટ્રેનર યુનુસ શાહ બુખારી ઉર્ફે ઉસ્તાદ ઉલ મુજાહિદ્દીનની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે.સૂત્રોએ જણાવ્યું હતું કે માળખાને તોડી પાડવા માટે ઓછામાં ઓછા પાંચ જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૦ ઓગસ્ટ સુધીમાં, ઉમ્મ-ઉલ-કુરાના ભાગો તોડી પાડવામાં આવ્યા હતા. દરમિયાન, ૪ સપ્ટેમ્બરના રોજ કમાન્ડરના રહેઠાણની ઇમારત તોડી પાડવામાં આવી હતી. લશ્કર અને પાકિસ્તાન સરકાર આગામી વર્ષે ૫ ફેબ્રુઆરી સુધીમાં ઇમારતને સંપૂર્ણપણે ફરીથી બનાવવાની યોજના ધરાવે છે. નોંધનીય છે કે લશ્કર દર વર્ષે ૫ ફેબ્રુઆરીએ ‘કાશ્મીર એકતા દિવસ’ ઉજવે છે.સૂત્રો અનુસાર, પાકિસ્તાન સરકારે આ પુનર્નિર્માણ કાર્ય માટે લશ્કરને ૪ કરોડ પાકિસ્તાની રૂપિયાની પ્રારંભિક સહાય આપી છે. લશ્કરના આંતરિક મૂલ્યાંકન મુજબ, પહેલાની જેમ તાલીમ અને રહેણાંક સુવિધાઓ સાથે મુખ્ય મથકનું પુનર્નિર્માણ કરવા માટે ૧૫ કરોડથી વધુ ખર્ચ થશે.લશ્કરે પૈસા એકત્ર કરવા માટે એક નવી પદ્ધતિ અપનાવી છે. આતંકવાદી સંગઠન પૂર  પીડિતોને માનવતાવાદી સહાય પૂરી પાડવાની આડમાં દાન એકત્ર કરી રહ્યું છે. આ માટે ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં આતંકવાદીઓ પોતાને રાહત કાર્યકર્તા ગણાવીને દાન માંગી રહ્યા છે. સૂત્રો કહે છે કે આ પૈસાનો ઉપયોગ મરકઝ તૈયબાના પુનઃનિર્માણ માટે કરવામાં આવશે. લશ્કરના આતંકવાદીઓ ઘણીવાર રાહત શિબિરોમાં ફોટા પડાવતા અને લોકોને સામાન આપતા જાવા મળે છે, જ્યારે તે જ સમયે તેઓ દાન પણ માંગે છે.