પાકિસ્તાન ક્રિકેટ ટીમે યુએઈ ને શાનદાર રીતે ૪૧ રનથી હરાવ્યું અને સુપર ફોરમાં પ્રવેશ કર્યો. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ૧૪૬ રન બનાવ્યા.યુએઈ ટીમ લક્ષ્યનો પીછો કરવામાં અસમર્થ રહી અને ફક્ત ૧૦૫ રનમાં  ઓલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાન તરફથી ફખર ઝમાન અને અબરાર અહેમદે શાનદાર પ્રદર્શન કર્યું અને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. આ હાર બાદ, યુએઈ એશિયા કપ ૨૦૨૫માંથી બહાર થઈ ગયું અને આગળના રાઉન્ડમાં આગળ વધવામાં નિષ્ફળ ગયું. યુએઈ માટે, અલીશાન શરાફુ (૧૨ રન) અને મોહમ્મદ વસીમ (૧૪ રન) મજબૂત શરૂઆત આપવામાં નિષ્ફળ ગયા. ત્યારબાદ મોહમ્મદ ઝોહેબ ચાર રન બનાવીને આઉટ થયા. યુએઈના બેટ્‌સમેનોએ પાકિસ્તાની સ્પિનરોરો સામે સંઘર્ષ કર્યો. બાદમાં, રાહુલ ચોપડા (૨૫ રન) અને ધ્રુવ પરાશર (૨૦ રન) એ થોડા સમય માટે ક્રીઝ પર રહેવાનો પ્રયાસ કર્યો. જાકે, તેમના આઉટ થતાં, યુએઈની બેટિંગ પત્તાના ઢગલા જેવી પડી ગઈ.પાકિસ્તાન માટે, શાહીન શાહ આફ્રિદી, હરિસ રૌફ અને અબરાર અહેમદે બે-બે વિકેટ લીધી. અબરારે ચાર ઓવરમાં ૧૩ રન આપીને બે વિકેટ લીધી. સલમાન અલી આગા અને સેમ અયુબે એક-એક વિકેટ લીધી. આ બોલરોએ યુએઈના બેટ્‌સમેનોને મુક્તપણે રમવાથી અટકાવ્યા.પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી, ઓપનર સેમ અયુબ સતત ત્રીજી મેચમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ સાહિબજાદા ફરહાન ૫ રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ ફખર ઝમાન ૩૬ બોલમાં ૫૦ રન બનાવીને આઉટ થયા હતા, જેમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન સલમાન અલી આગાએ ૨૭ બોલમાં ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ શાહીન આફ્રિદીએ વિસ્ફોટક રમત રમી હતી, ૧૪ બોલમાં ૨૯ રન બનાવીને, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને કારણે જ પાકિસ્તાની ટીમ ૧૪૬ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી હતી. જુનૈદ સિદ્દીકીએ યુએઈ ટીમ માટે શાનદાર બોલિંગ કરી હતી, જેમાં ચાર ઓવરમાં ૧૮ રન આપીને ચાર વિકેટ લીધી હતી. સિમરજીત સિંહે પણ ચાર ઓવરમાં ૨૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. આ ખેલાડીઓએ પાકિસ્તાનના ટોપ ઓર્ડરને બરબાદ કરી દીધો હતો.