ગુજરાતને ૧,૬૦૦ કિલોમીટરનો દરિયાકિનારો સ્પર્શે છે, પરંતુ હાલ ચોમાસાની ઋતુમાં ખરાબ હવામાન અને ભારે વરસાદી માહોલને પગલે ગુજરાતના માછીમારોનો ધંધો ઠપ્પ પડ્યો છે. ત્યારે આ દરિયાકાંઠે રહીને માછીમારી કરી જીવન વિતાવતા હજારો માછીમાર પરિવારોને હવામાન અને વાતાવરણ સાથે સાથે અન્ય પણ એક પ્રશ્ન સતાવે છે, પાડોશી દેશ પાકિસ્તાનનો. કારણ કે દરિયામાં કોઈ ચોક્કસ નિર્ધારિત બોર્ડર નજરે ન પડતા તેઓ ભૂલથી પાકિસ્તાની જળસીમામાં પહોંચી જાય છે અને પાકિસ્તાની સરકાર તેમને બંધક બનાવી દે છે. હજારો માછીમારો સાથે જાડાયેલો આ મહત્વપૂર્ણ પ્રશ્ન કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમન વાજાએ તાજેતરમાં પૂર્ણ થયેલા ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં પૂછ્યો છે.દરિયામાં દૂર દૂર માછીમારી કરતા કરતા પાકિસ્તાની જળસીમામાં પહોંચી ગયા હોય અને પાકિસ્તાની સરકારે તેમને કેદ કરી લીધા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે, આવી પરિસ્થિતિમાં પાકિસ્તાની સત્તાવાળા દ્વારા પકડાયેલા માછીમારોના કુટુંબને રાજ્ય સરકાર સહાય પેટે કેટલીક રકમ ચૂકવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અપાતી આ આર્થિક સહાયની હાલની સ્થિતિ શું છે તે જાણવા અંગે કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમન વાજાએ તાજેતરમાં વિધાનસભા ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાબતે સરકારે સકારાત્મક જવાબ આપ્યો છે કે આવી પરિસ્થિતિ ન બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ બનીને ચિંતા વ્યક્ત કરીને પરિવારને  આધાર બની રહી છે.ધારાસભ્ય પ્રદ્યુમન વાજાએ ગૃહમાં પૂછેલા પ્રશ્ન અંગે સરકારે જવાબ આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનની સરકાર દ્વારા પકડાયેલા રાજ્યના માછીમારોના કુટુંબના જીવન નિર્વાહ માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય પેટે પરિવાર દીઠ દૈનિક ૩૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. જે મુજબ ૩૧-૩-૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગીર સોમનાથ જિલ્લાના અનેક માછીમારોને રાજ્ય સરકાર સહાય ચૂકવી રહી છે.આ અંગે આંકડા સાથેની માહિતી આપતા સરકારે જણાવ્યું કે, હાલ ૧૫૮ કુટુંબના પરિવારોને ૨૦૨૩-૨૪માં રાજ્ય સરકાર દ્વારા ૧,૯૩,૩૫,૯૦૦ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૭ પરિવારને ૮૩,૮૪,૧૦૦ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. એટલે કે છેલ્લા બે વર્ષમાં કુલ ૨૩૫ માછીમાર પરિવારોને ૨.૭૭ કરોડ જેટલી રકમ ચૂકવાઈ છે. આમ ગીર સોમનાથ જિલ્લામાંથી માછીમારી કરવા માટે ગયેલા માછીમારો પાકિસ્તાનમાં પકડાયા બાદ તેમના પરિવારનો આધાર રાજ્ય સરકાર બની છે. રાજ્ય સરકાર દ્વારા તેમને વળતર ચૂકવીને તેમનું આર્થિક સહાય માટે આગળ આવી છે.